ગુજરાત કોળી સેના દ્વારા પોલીસની ઢીલી નીતિ સામે રોષ : કેન્દ્રીય મંત્રીની સૂચના બાદ ફરિયાદ નોંધાઈ મોરબી : વાંકાનેર તાલુકાના જામસર ગામની સગીરાને મધ્યપ્રદેશનો શખ્સ લલચાવી ફોસલાવી ભગાડી ગયાની ઘટનાને ચાર-ચાર માસનો સમયગાળો વીતવા છતાં પણ પોલીસ હજુ સુધી અપહરણકર્તા સુધી પહોંચી ન શકતા ગુજરાત કોળી સેનાએ પોલીસની ઢીલી નીતિ સામે રોષ વ્યક્ત કર્યો છે. વાંકાનેર તાલુકાના જામસર ગામેથી મધ્યપ્રદેશનો વતની રાહુલ મોહનલાલ ધનરાજ નામનો શખ્સ લલચાવી ફોસલાવી અપહરણ કરી જતા સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવવા ધક્કા ખાધા હતા પરંતુ આમ છતાં પોલીસ ફરિયાદ ન નોંધાતા જે તે સમયે કેન્દ્રીયમંત્રી ડો.મહેન્દ્ર મુંઝપરાની સૂચનાથી ફરિયાદ નોંધાઈ હતી. જો કે, સગીરાના અપહરણની ઘટનાને ચાર-ચાર મહિના જેટલો સમય વીતવા છતાં હજુ સુધી પોલીસ નક્કર પગલાં ભરી આરોપી સુધી ન પહોંચી શકતા આ મામલે ગુજરાત કોળી સેના દ્વારા પોલીસની ઢીલી નીતિ સામે રોષ વ્યક્ત કરી તાકીદે અપહરણ કરનાર શખ્સને ઝડપી લઈ સગીરાને તેના પરિવારજનો સાથે મિલન કરાવવા માંગણી કરવામાં આવી છે.