તંત્રની નિષ્ક્રિયતા સામે પ્રજામાં ભારે રોષ: વરસાદી પાણીમાં કપચી ધોવાતા રોજના 3 થી 4 વાહનચાલકો ખાડામાં ખાબકે છેમોરબી : મોરબીના સર્કિટ હાઉસથી હાઉસિંગ બોર્ડ તરફ જવાના રસ્તે કડિયા બોર્ડિંગ સામે વરસાદી પાણી ભરાવાને કારણે પરિસ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે. આ વિસ્તારમાં બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ સાઈડમાં વાહનોની અવરજવર માટે યોગ્ય રસ્તો બનાવવામાં આવ્યો નથી. આ માર્ગ પરથી રોજ હજારો વાહનો પસાર થાય છે, છતાં વૈકલ્પિક રસ્તાની દુર્દશાના કારણે વાહનચાલકોને જીવના જોખમે પસાર થવું પડે છે. આજે જ આ બિસ્માર રસ્તા અને ખાડાના કારણે એક રીક્ષા અને એક્ટીવા પલટી મારી ગઈ હોવાની ઘટના સામે આવી છે, આ ઉપરાંત રોજ અનેક ચાલકો અહીં સ્લિપ થઈ રહ્યા છે.સ્થાનિક નાગરિક નીરવભાઈ ત્રિવેદીએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ રસ્તા પર રોજના 3 થી 4 લોકો બિસ્માર માર્ગ અને પાણી ભરાવાને કારણે નીચે પડે છે. ગયા વર્ષે પણ ચોમાસા દરમિયાન આ જ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જ્યારે પણ સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવે છે, ત્યારે તંત્ર દ્વારા માત્ર ઉપરછલ્લી કપચી નાખીને સંતોષ માની લેવાય છે. આ નાખેલી કપચી પણ વરસાદી પાણી આવતા જ ધોવાઈ જાય છે અને પરિસ્થિતિ ફરી હતી તેવી જ જોખમી બની જાય છે. હજુ 3 થી 4 દિવસ પહેલા જ તંત્ર દ્વારા અહીં કપચી નાખવામાં આવી હતી, જે સવારે જ વરસાદના પાણીમાં ધોવાઈ ગઈ હતી.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ જોખમી રસ્તા અંગે સંબંધિત તંત્રને રજૂઆતો કરવામાં આવી છે છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. ત્યારે હવે પ્રજામાં એવા વેધક પ્રશ્નો ઉભા થયા છે કે, શું કોઈ નિર્દોષ નાગરિકનો જીવ જશે ત્યારે જ તંત્ર જાગશે? #Morbi #MorbiUpdate #MorbiNews #Monsoon #RoadIssue #MorbiAdministration #RainWater #Accident