ભાજપ ખેડૂતની પડખે ઉભું છે તેવું તાલુકા ભાજપ પ્રમુખે નિવેદન આપ્યું, સામે કોંગ્રેસ પ્રમુખે ચેલેન્જ ફેંકી કે જો તમે ખેડૂતની પડખે હોય તો આપણે બન્ને રાજીનામાં દઈને જેતપર જઈએમોરબી : રાજકારણની એન્ટ્રીથી ખેડૂત આંદોલનનો પાર્ટ-1 નિષ્ફળ રહ્યો હતો. તેવામાં જેતપર ગામના ખેડૂતોએ એકલા હાથે આંદોલન પાર્ટ -2 શરૂ કરીને હિંમત બતાવી છે. જેને પગલે જિલ્લાભરના ખેડૂતોનો જુસ્સો વધ્યો છે. હાલ ખેડૂતો રાજકારણને આ આંદોલનથી દૂર કરવાના ભરપુર પ્રયાસો કરી રહ્યા છે પરંતુ હજુ પણ અનેક નેતાઓ ચાલતી ગાડીએ ચડવા પૂરેપૂરી તૈયારીઓ કરી રહ્યા છે. આવી જ ઘટના માળિયા મિયાણા તાલુકામાં સામે આવી છે. માળીયા મિયાણા તાલુકાના સમગ્ર ખેડૂતો અને સરપંચ એસોસિએશન દ્વારા જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનના અનુસંધાને અને વીજ કંપનીની દાદાગીરી વિરુદ્ધ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ સમયે તમામ સરપંચો અને ખેડૂતોએ સર્વાનુમતે એવો નિર્ણય લીધો હતો કે આ કાર્યક્રમને કોઈ રાજકીય રંગ આપવાનો નથી. છતાં પણ ખેડૂતોની મરજી વિરુદ્ધ કાર્યક્રમને લઈને ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા છે. માળિયા તાલુકા ભાજપ પ્રમુખ રાજેશ હુંબલે જણાવ્યું હતું કે, માળિયા તાલુકા ભાજપ અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ ખેડૂતોની સાથે રહ્યા હતા અને ખેડૂતોને ખાતરી આપી હતી કે સંગઠન હંમેશા ખેડૂતોની પડખે ઊભું રહેશે. જેતપુરમાં વીજ થાંભલાઓ અંગે છેલ્લા 15 દિવસથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલન અંગે વાત કરતા રાજેશ હુંબલે સ્પષ્ટ કર્યું હતું કે, આ મામલે સરકાર સંપૂર્ણ હકારાત્મક છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી હર્ષ સંઘવીની આ મુદ્દા પર સતત નજર છે. આ ઉપરાંત, મંત્રી કાંતિભાઈ અમૃતિયા પણ આ પ્રશ્નના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ છે અને ખેડૂતોની સાથે જોડાયેલા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જેતપુર આંદોલનમાં વિરોધ પક્ષના લોકો પણ જોડાઈ ગયા હોવાથી મામલો થોડો વધુ ગરમાયો છે, પરંતુ ખેડૂતોના પ્રશ્નોનો ઝડપી અને સુખદ ઉકેલ આવશે. રાજ્યની ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીની સરકાર ખેડૂતોને યોગ્ય વળતર અપાવશે અને પ્રશ્નનું નિરાકરણ લાવશે.તાલુકા ભાજપ પ્રમુખના આ નિવેદન બાદ માળીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંદીપ કાલરીયાએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, ખેડૂતો અને સરપંચોના નિર્ણય છતાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દ્વારા પાછળથી મીડિયામાં બાઈટ આપીને ખેડૂતોની પીઠમાં ખંજર ભોંકવાનું કામ કરવામાં આવ્યું છે. ખેડૂતોના નામે ખોટી વાહવાહી લૂંટવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જ્યારે ખેડૂતો અને સરપંચો રાસંગપર ખાતે વીજ થાંભલા ઊભા કરવાનું કામ અટકાવવા ગયા ત્યારે ત્યાં ભાજપનો એક પણ નેતા જોવા મળ્યો ન હતો. તેઓ માત્ર ફોટો સેશન કરાવવા જ આવે છે અને ખેડૂતો સાથે હોવાનો દેખાવ કરે છે.સંદીપ કાલરીયાએ ભાજપના નેતાઓને સીધો પડકાર ફેંકતા કહ્યું હતું કે, જો તેઓ ખરેખર ખેડૂતોના સાચા હમદર્દ હોય તો પોતાના હોદ્દા પરથી રાજીનામાં આપીને જેતપરની છાવણીમાં પધારે. માળીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે હું પણ રાજીનામું આપીને તેમની સાથે છાવણીમાં જોડાવા અને તેમના રાજીનામાનું સ્વાગત કરવા તૈયાર છું. #MorbiUpdate #Maliya #FarmersProtest #Congress #SandeepKalariya #BJP #Jetpar #GujaratNews #KisanAndolan #MorbiNews