મોરબી નગરપાલિકા સમયથી વોર્ડ નંબર 5માં ચાલ્યો આવતો સિલસિલો યથાવત રહ્યો મોરબી : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે મોરબી મહાનગર પાલિકા માટે મતદાન પ્રકિયા યોજાયા બાદ વોર્ડ નંબર 5માં વર્ષોથી ચાલી આવતી પરંપરા જાળવી રાખી ભાજપ-કોંગ્રેસ તેમજ અપક્ષ ઉમેદવાર સહિતના રાજકીય આગેવાનોએ ચૂંટણીના મનદુઃખ ભૂલી ખેલદિલીની ભાવના સાથે એકબીજાને મળી સાથે મળી ચા-પાણી પીધા હતા.સામાન્ય રીતે ભાજપ,કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના રાજકીય આગેવાનો ચૂંટણી સમયે એક બીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી એકબીજાને કોશતાં હોય છે અને ચૂંટણી બાદ પણ આ સિલસિલો ચાલુ રહેતો હોય છે પરંતુ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 5માં નગરપાલિકા સમયથી ગજબની રાજકીય ખેલદિલી જાળવવાની પરંપરા છે અહીં ચૂંટણી પ્રક્રિયામાં મતદાન પૂર્ણ થયા બાદ તમામ ઉમેદવાર પછી ભલે ભાજપ હોય, કોંગ્રેસ હોઈ કે પછી કોઈ અપક્ષ હોય બધા ઉમેદવારો સાથે મળીને ચા પાણી પીવે છે. આજે પણ મતદાન બાદ તમામ ઉમેદવારોએ બધા મતભેદ ભૂલીને વોર્ડના કામ કરવા સૌ સાથે મળે કામ કરવાનો સંકલ્પ લઈ હળવા મૂડમાં ચા પાણી પીધા હતા.