મોરબી : 27મી ફેબ્રુઆરીએ પોલિયો રવિવાર અંતર્ગત મોરબી જિલ્લામાં પાંચ વર્ષ સુધીના કુલ 132410 બાળકોને પોલિયોના ટીપા પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે જેના માટે જિલ્લામાં કુલ 616 પોલિયો બુથ ઊભા કરવામાં આવ્યા છે અને આ રસીકરણ ની કામગીરી ને પહોંચી વળવા માટે 2246 કર્મચારીઓ પોલિયો બુથ પર હાજર રહીને ફરજ બજાવે છે. તેમજ 190 સુપરવાઇઝર મોનીટરીંગની કામગીરી સંભાળશે. તારીખ 27 ફેબ્રુઆરી 2020ના રોજ પોલિયો બુથ પર પોલીયો રસીકરણ કરવામાં આવશે અને બુથ ઉપર રસીકરણ કરવામાં બાકી રહી ગયેલા બાળકોની ઘરે મુલાકાત લઈને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે.આ માટે મોરબી જિલ્લાના કુલ 213331 ઘરોની મુલાકાત માટે 1122 ટીમોની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત ખેતર, વાડી વિસ્તાર,ઇંટોના ભઠ્ઠા, રોડની આજુબાજુનો વિસ્તાર, અગર વિસ્તાર,બાંધકામ વિસ્તાર,ખાંડના વિસ્તાર કે અન્ય દુર્ગમ જગ્યા ઉપર વસતા મજૂરના બાળકોને પોલિયો રસીકરણ માટે ૫૧૦ મોબાઈલ ટીમની રચના કરવામાં આવી છે. તેમજ પોલિયો કાર્યક્રમ દરમિયાન મુસાફરી કરતા બાળકોને પોલિયોની રસી આપવા માટે 24 ટ્રાન્ઝિસ્ટ ટીમોની રચના કરાઈ છે.આ ટીમો બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન જેવા સ્થળો પર કામગીરી બજાવશે. મોરબી જિલ્લાના પાંચ વર્ષ સુધીના તમામ બાળકોને 27 ફેબ્રુઆરી 2020ના રોજ પોલિયો બુથ પર લઈ જઇ રસીકરણ કરાવવા વાલીઓને હીરાભાઈ ટમારિયા-ચેરમેન આરોગ્ય સમિતિ જિલ્લા પંચાયત મોરબી તેમજ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એમ.કતીરા તથા જિલ્લા આર.સી.એચ અધિકારી ડો.વિપુલ કારોલીયાએ અપીલ કરી છે.