દારૂ નાશ કરવા માટે નાયબ મામલતદાર, તલાટી મંત્રીને પોલીસ મથક મુજબ વિશેષ ફરજ સોપાઈ : સીસીટીવી હેઠળ મામલતદારની હાજરીમાં ગણતરી બાદ જ દારૂ ઉપર રોડ રોલર ફેરવાશેમોરબી : મોરબી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા મોરબી શહેર, તાલુકા તેમજ ટંકારા પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવેલ 1.67 કરોડ રૂપિયાની કિંમતના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવા માટેનો સત્તાવાર હુકમ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં આ વખતે વિદેશી દારૂનો નાશ કરવાની કામગીરી અન્વયે મામલતદારની હાજરીમાં સીસીટીવી હેઠળ પ્રથમ દારૂની ગણતરી કરી બાદમાં જ્યાં સુધી દારૂનો નાસ કરવામાં ન આવે ત્યાં સુધી નાયબ મામલતદાર અને તલાટીને વધારાની ફરજ સોંપવામાં આવતા પોલીસ બેડામાં ચકચાર જાગી છે.મોરબી સીટી એ ડીવીઝન, બી ડિવિઝન, મોરબી તાલુકા અને ટંકારા પોલીસ સ્ટેશનોમાં પકડાયેલ વિદેશી દારૂ અને બિયરનો જથ્થોનો નાશ કરવા માટે મોરબી પ્રાંત અધિકારી દ્વારા આ વખતે વિશેષ તકેદારી રાખવાનો આદેશ કર્યો છે. આ આદેશ મુજબ લગત પોલીસ સ્ટેશનને લાગુ મામલતદાર, નાયબ મામલતદાર અને તલાટીને પોલીસ મથકથી દારૂ નાસ કરવાના સ્થળે જથ્થો લઈ જતા પૂર્વે સીસીટીવી કેમેરા સામે મામલતદારની હાજરીમાં ગણતરી કરવા તેમજ નાસ કરવાના સ્થળે દારૂનો નાશ ન કરવામાં આવે ત્યાં સુધી મહેસુલી કર્મચારીને હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે.મહત્વનું છે કે, મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના ૬૮ ગુનાઓમાં કુલ ૧૨,૪૮૮ બોટલ કિંમત રૂ. ૬૦,૨૯,૮૨૫. મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના ૪૭ ગુનાઓમાં કુલ ૨,૯૦૮ બોટલ દારૂ કિંમત રૂ. ૧૮,૧૪,૨૩૩. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ૪૮ ગુનાઓમાં કુલ ૧૬,૭૮૨ બોટલ દારૂ કિંમત રૂ. ૩૧,૧૯,૩૮૦ તેમજ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના ૦૬ ગુનાઓમાં કુલ ૧૪,૬૮૧ બોટલ દારૂ કિંમત રૂ. ૫૭,૬૧,૧૪૯ મળી કુલ રૂ.૧,૬૭,૨૪,૫૮૭ રૂપિયાનો દારૂ નાશ કરવામાં આવશે.પોલીસે પકડેલા દારૂ નાશ કરવાની કામગીરીમાં આ વખતે મહેસુલી કર્મચારીને વિશેષ ફરજ સોંપવામાં આવતા ભારે આશ્ચર્ય સર્જાયું છે.