જિલ્લા પોલીસ વડાએ 112 પોલીસ વાનની ટીમની કામગીરીને બિરદાવીમોરબી અપડેટ (ટંકારા) : ટંકારા તાલુકાના મિતાણા ગામ નજીક બ્રિજ પાસે આર્ય વિદ્યાલયની બસમાં આગ લાગવાની ઘટના બની હતી. જેમાં પોલીસ ટીમે ત્વરિત હરકતમાં આવી વિદ્યાર્થીઓને બસ નીચે ઉતાર્યા હતા. આ સરાહનીય કામગીરીને એસપીએ બિરદાવી પોલીસકર્મીઓનું સન્માન કરવાની જાહેરાત કરી છે. આ ઘટના બપોરના સમયે શાળા છૂટ્યા બાદ બની હતી. બસના ડ્રાઈવર હિમાંશુભાઈ પાલિયાએ સતર્કતા દાખવીને બસમાં ધુમાડો જોતા જ બસ ઉભી રાખી દીધી હતી અને આજુબાજુમાં મદદ માટે બૂમો પાડી હતી. આ સમયે ત્યાં હાજર PCR-112 ના જવાનો હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ ઈન્દુભા, કોન્સ્ટેબલ દશરથસિંહ ઘનશ્યામસિંહ, આઉટસોર્સ ડ્રાઈવર દિવ્યેશભાઈ વાલજીભાઈ ભલગામડીયા અને જીઆરડી જવાન હિમાંશુ રાજેશભાઈ સાકરીયાએ ત્વરિત હરકતમાં આવી વિદ્યાર્થીઓને બસ નીચે ઉતાર્યા હતા.વિદ્યાર્થીઓનો જીવ બચાવવાના આ ઉત્કૃષ્ટ કાર્યને બિરદાવવા માટે એસપી મુકેશ પટેલ દ્વારા આ કામગીરીમાં જોડાયેલ દરેક પોલીસ કર્મચારીને રૂપિયા 2000 નું રોકડ ઈનામ (GST સહિત) આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, આઉટસોર્સ ડ્રાઈવર અને GRD જવાનને પ્રશંસા પત્ર પાઠવીને સન્માનિત કરવામાં આવશે.