પોલીસે 25 રીક્ષાઓ સામે દંડનીય કાર્યવાહી કરી : રીક્ષા ચાલકો ફરી આડેધડ પાર્ક કરશે તો કડક કાર્યવાહીનો નિર્દેશ આપ્યો મોરબી : મોરબીમાં લાંબા સમયથી રિક્ષાઓ શહેરમાં આડેધડ પાર્ક થતી હોવાથી સળગતી સમસ્યા વચ્ચે આજે અચાનક એ ડિવિઝન પોલીસ હરક્તમાં આવી હતી અને શહેરમાં આડેધડ પાર્ક થયેલી 25 જેટલી રિક્ષાઓ ઉપર તવાઈ ઉતારી હતી. પોલીસે આ તમામ રીક્ષા ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી ફરી આડેધડ પાર્ક કરશે તો કડક કાર્યવાહીનો નિર્દેશ આપ્યો છે. મોરબીમાં ટ્રાફિકની સમસ્યા પાછળ આડેધડ પાર્ક થતા વાહનો પણ કારણભૂત છે. તેમાંય રીક્ષા ચાલકો મનફાવે ત્યાં રીક્ષા પાર્ક કરતા હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. લાંબા સમયથી આડેધડ રીક્ષા પાર્કિગની સમસ્યા મામલે આખરે આજે એ ડિવિઝન પોલીસે ટ્રાફિકને બાનમાં લેતા આવા રીક્ષા ચાલકો સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં એ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. પંડ્યાની સૂચનાને પગલે પીએસઆઇ રાણા સહિતના સ્ટાફે શહેરના શાક માર્કેટ સહિતના મોટાભાગના બજાર વિસ્તારમાં ચેકિંગ કરી આડેધડ અને ટ્રાફિકને અડચણરૂપ પાર્ક થયેલી રિક્ષાને કબ્જે કરી પોલીસ મથકે લાવીને રીક્ષા ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી હતી. તેમજ રીક્ષા ચાલકોને ટ્રાફિકને અડચણરૂપ ન થાય તે રીતે ધંધો કરવા સમજાવીને ફરીથી આડેધડ રીક્ષા પાર્ક કરશે તો કડક કાર્યવાહી કરવાની તાકીદ કરી હતી.