36.99 લાખની છેતરપિંડી મામલે જામનગર અને પોરબંદરના શખ્સને દબોચી લેવાયા મોરબી : મોરબીમાં ગાડી લે વેચનો ધંધો કરતા વેપારી સાથે ત્રણ ટેન્કર ખરીદવાનો સોદો કરી જામનગર અને પોરબંદરના બે ગઠિયા રૂપિયા 51 હજારનું ટોકન આપી ત્રણ ટેન્કર ગપચાવી જતા બાકીના રૂપિયા 36.99 લાખની માતબર રકમ ન ચૂકવતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ આ બન્નેની ધરપકડ કરવામાં આવી હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સૂર્યકીર્તિનગરમાં રહેતા અને ગાડી લેવેચનો ધંધો કરતા હસમુખભાઈ નાઝાભાઈ હૂંબલે જામનગરના દેવાભાઈ ઉર્ફે બાબુભાઇ સારીગભાઈ પંડક અને પોરબંદરના રાતડી ગામના ભૂરાભાઈ દાનાભાઇ મોરી વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ત્રણ ટેન્કરનો સોદો કર્યો બાદ 51 હજારમાં ટેન્કર લઈ બાકીના નાણાં નહિ ચૂકવતા ફરિયાદ નોંધાવી હતી. વધુમાં ગઠિયાઓ રૂપિયા 12.50 લાખનું એક ટેન્કર એવા ત્રણ ટેન્કર ખરીદવા માટે રૂપિયા 51 આપી ત્રણેય ટેન્કર લઈને જતા રહ્યા બાદ બાકી રહેતા રૂપિયા 36.99 લાખ નહિ ચૂકવતા આ મામલે બન્ને વિરુદ્ધ આઇપીસી કલમ 406, 420 અને 114 મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.