પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ માનવ કંકાલનો કબજો લઇ પીએમ તેમજ ડી.એન.એ. માટેના સેમ્પલો લેવાયા હળવદ : હળવદ તાલુકાના કોયબા જવાના રસ્તા પરથી પસાર થતી નર્મદા કેનાલમાંથી ગઈકાલે માનવ કંકાલ મળી આવ્યું હતું. જેને કારણે પોલીસે વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ દ્વારા આ માનવ કંકાલનો કબ્જો લઇ પીએમ માટે તેમજ ડીએનએ માટે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ કોયબા રોડ પરથી પસાર થતી નર્મદા કેનાલમાં પાણી બંધ થતાં કેનાલના કાંઠેથી પસાર થતા લોકોને અતિ દુર્ગંધ આવતી હોય, જેને કારણે અહિથી પસાર થતાં રાહદારીઓ દ્વારા તપાસ કરાતા નર્મદા કેનાલમાં કોઈ માનવનું કંકાલ પડ્યું હોવાનું સામે આવ્યું હતું. જોકે આ કંકાલનું માત્ર હાડપિંજર જ રહ્યું હતું. સાથે સાથે શરીરના મોટાભાગના હાડકાઓ પણ છૂટા થઈ ગયા હતા. જોકે માથાની ખોપરી પણ અન્ય જગ્યાએ જોવા મળી હતી. સાથે જ માનવ કંકાલ સાથે પેન્ટ જોવા મળ્યું હતું. જેથી, પ્રાથમિક તબક્કે આ માનવ કંકાલ કોઈ પુરુષનું હોવાનું સામે આવ્યું છે. આ બનાવને પગલે હળવદ પોલીસના પી.આઈ. દેકાવાડીયા, રમેશભાઈ ઠાકોર, ભરતભાઈ રબારી, અરજણભાઈ ભરવાડ સહિતનાઓ કોયબા રોડ પર આવેલ નર્મદા કેનાલ ખાતે દોડી ગયા હતા અને જે જગ્યા પરથી માનવ કંકાલ મળી આવ્યું છે. ત્યાં તપાસ કરી હાલ આ માનવ કંકાલનો કબ્જો લઈ પી.એમ. માટે તેમજ ડીએનએ માટેની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.