પોલીસ દ્વારા ટ્રાફિક, નશાબંધી, ચોરી અટકાવવાના ઉપાયો તેમજ હેલ્પ લાઈન નંબર સહિતની માહિતી અપાઈ : સરપંચોએ કરેલી રજૂઆતોના નિરાકરણ લાવવાની ખાતરી અપાઈ વાંકાનેર : વાંકાનેર સિટી અને તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા આજે વાંકાનેરના ગામડાઓના સરપંચો સાથે પોલીસને લગતા બનાવો અંગે એક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વાંકાનેર તાલુકાના પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. પટેલ, વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજા, અને મોરબી જિલ્લા ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી. ઘેલાની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં વાંકાનેર તાલુકાના કુલ ૩૮ ગામના સરપંચો હાજર રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન, પોલીસ દ્વારા સાયબર જાગૃતિ, શી ટીમ, સિનિયર સિટીઝનની કામગીરી, ગામડાઓમાં સી.સી.ટી.વી.ના ઉપયોગનું મહત્વ, મજૂર નોંધણી, ચોરી અટકાવવાના ઉપાયો, નશાબંધી, અને રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ હેલ્પલાઇન નંબરો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સરપંચોને ગામમાં કોઈ પણ બનાવ બને તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે ખાસ સૂચના અપાઈ હતી. આ ઉપરાંત, યુવા માર્ગદર્શન અને નવા કાયદાઓ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી.જિલ્લા ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટરે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાથી થતા ફાયદાઓ અને જીવલેણ અકસ્માતો કેવી રીતે નિવારી શકાય તે વિશે માર્ગદર્શન આપ્યું હતું. પોલીસ અને સરપંચો વચ્ચે ઉત્તમ સંકલન જળવાઈ રહે તે માટે એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે.કાર્યક્રમના અંતે, સરપંચોએ ટ્રાફિક સંબંધિત પ્રશ્નો, રખડતા ઢોરોની સમસ્યા, અને અન્ય મુશ્કેલીઓ અંગે રજૂઆતો કરી હતી. પોલીસે આ પ્રશ્નોના નિરાકરણ માટે સ્થળ મુલાકાત લઈ ચર્ચા-વિચારણા કરી નિકાલ કરવાની ખાતરી આપી હતી. સરપંચોએ પોલીસ દ્વારા મળેલા સહકાર અને તેમની કામગીરીની પ્રશંસા કરી હતી.