જિલ્લા પંચાયતના સદસ્યની રજુઆત બાદ જિલ્લા પોલીસ વડાએ તમામ પોલીસ મથકોને આપી સૂચના, પેટ્રોલિંગ પણ વધારી દેવાયુ મોરબી : બોર્ડના છાત્રોને ખલેલ પહોંચાડતી ડીજે વગાડવાની પ્રવૃત્તિ રોકવા પોલીસ હરકતમાં આવી છે. આ માટે જિલ્લા પોલીસ વડાએ તમામ પોલીસ મથકોને સૂચના આપી છે. સાથે પોલીસ દ્વારા જિલ્લામાં પેટ્રોલિંગ પણ વધારી દેવાયુ છે. મોરબી જિલ્લામાં હાલ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે લગ્નમાં નિયમ વિરુદ્ધ જોરશોરથી વાગતા ડીજે ખલેલ પહોંચાડી રહ્યા હોય તેને બંધ કરાવવા જી.પં.ના સદસ્ય કમળાબેન ચાવડાએ એસપીને રજુઆત કરી હતી. જેને જિલ્લા પોલીસ વડાએ ગંભીરતાથી લઈ જિલ્લાભરના પોલીસ મથકોને આવી પ્રવૃત્તિ વિરુદ્ધ પગલાં લેવા આદેશ જાહેર કર્યો છે. આ ઉપરાંત જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે તમામ પોલીસ મથકોના વિસ્તારમાં સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ પણ સઘન બનાવવામાં આવ્યું છે. બોર્ડના છાત્રોને ઘોંઘાટથી ખલેલ ન પહોંચે તે માટે પોલીસ સતત પ્રયત્નશીલ છે.