સીટી બી ડિવિઝન પોલીસે દેશી દારૂના ધંધાર્થી વિરુદ્ધ કરી કાર્યવાહીમોરબી : અસામાજિક પ્રવૃતિ કરતા ગુન્હેગારોને આર્થિક રીતે ભાંગી નાંખવા રાજ્યના ડીજીપીએ આપેલા આદેશ અન્વયે રવિવારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે દેશી દારૂનો ધંધો કરી અનેક વખત પોલીસ ચોપડે ચડી ગયેલા આરોપીનું મોરબી કંડલા બાયપાસ ઉપર શક્તિનગર નજીક આવેલ એક કરોડની કિંમતના મકાન ઉપર બુલડોઝર ફેરવી દઈ ઓપરેશન ડિમોલિશન હાથ ધર્યું હતી.રાજ્યના ડીજીપીએ 100 કલાકમાં ગુન્હેગારોની યાદી બનાવી આવા ગુન્હેગારોની ગેરકાયદેસર મિલકતો તોડી પાડવા કરેલા આદેશ અન્વયે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે રવિવારે મોરબીના કંડલા બાયપાસ ઉપર શક્તિનગર વિસ્તારમાં કાવેરી સિરામિક પાછળ આવેલ આરોપી જુસબ ઉર્ફે જુસો મહમદભાઈ મોવરના 150 ચોરસમીટર જમીન ઉપર ઉભેલા અંદાજે એક કરોડની કિંમતના મકાનનો કડુસલો બોલાવી દઈ બુલડોઝર એક્શન લીધા હતા.ઉલ્લેખનીય છે કે, આરોપી જુસબ ઉર્ફે જુસા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં દેશી દારૂના અનેક ગુંન્હા દાખલ થયેલ હોય ડીવાયએસપીની સૂચના અને કાયદાકીય કાર્યવાહીના અંતે ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.આ અગાઉ મોરબી શહેર તેમજ તાલુકા વિસ્તાર ઉપરાંત માળીયા મિયાણા, હળવદ, ટંકારા અને વાંકાનેરમા પણ અનેક ગુન્હેગારોએ સરકારી જમીન કબ્જે કરી બનાવેલ મકાનોનો ભુક્કો બોલાવી અનેક આરોપીઓ સામે વીજ ચોરીના પગલાં લેવાયા છે ત્યારે રવિવારે એક કરોડનું મકાન તોડી પાડી પોલીસે ગુન્હેગારોને કાયદામાં રહેવા વધુ એક સબક શીખવ્યો હતો.