જિલ્લાભરના તમામ રીઢા ગુનેગારોની જડતી લેવાય, ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર અનેક વાહન ચાલકો સામે કાર્યવાહીમોરબી : મોરબી જિલ્લા પોલીસ દ્વારા ગત સાંજે મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાભરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ટીમોએ ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આ ઉપરાંત રીઢા ગુનેગારોની જડતી પણ લેવામાં આવી હતી. મોરબી જિલ્લામાં ગત રોજ સાંજે 5થી 8 વાગ્યા સુધી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની સૂચના અન્વયે ફુટ પેટ્રોલીંગ-કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મોરબી જિલ્લામાં અલગ અલગ જગ્યાએ વાહન ચેકીંગની કામગીરી હાથ ધરી કુલ ૫૩૪ વાહનો ચેક કરવામાં આવેલ હતા. આ વાહન ચેકીંગ દરમ્યાન લાયસન્સ વગરના-૩ વાહન ચાલકો, નંબર પ્લેટ વગરના-૧૩ વાહન ચાલકો, કાળા કાચ વાળા-૮ વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે ૪૦ વાહનો ડીટેઇન કરવામાં આવ્યા હતા તેમજ ૮૬ વાહનચાલકોને રૂ.૩૯.૮૦૦/-નો દંડ ફટકારવામાં આવ્યો હતો. કેફી પીણુ પી ને વાહન ચલાવનારા ૫ લોકો સામે એમ.વી.એક્ટ ૧૮૫ મુજબના કેસો કરવામાં આવ્યા હતા. રાહદારીને અડચણ રૂપ થાય તે રીતે વાહન રાખનાર અથવા તો ભયજનક રીતે વાહન ચલાવનાર ૪ લોકો સામે કેસ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કોમ્બિંગ દરમ્યાન ચોરી કરવાના ઇરાદે નિકળનાર શંકાસ્પદ ૫ શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જાહેરમાં હથિયાર લઇને નિકળનાર ૭ ઇસમો સામે કેસ કરવામાં આવ્યા છે. ૬૧ હોટલ-ધાબા તથા ૪૦ ઝુપડા ચેક કરવામાં આવ્યા હતા. અવાર નવાર ગુનો કરવાની ટેવ વાળા ૪૬ ઇસમો તેમજ ૮ હિસ્ટ્રીશીટરો, ૭૭ એમ.સી.આર. કાર્ડ વાળા ઇસમો, ૪૦ પ્રોહી. બુટલેગરો, ૨ જાણીતા જુગારીયા અને ૫૭ ટપોરીઓને ચેક કરવામાં આવ્યા હતા. પ્રોહીબીશન (દારૂ)ના-૪૨ કેસો. જુગારધારાના-૨ કેસો અને જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા અંગેના-૨ કેસો કરવામાં આવ્યા છે. તેમ જિલ્લા પોલીસની યાદીમાં જણાવાયું છે.