એક પીએસઆઈ, બે ટ્રાફિક પોલીસ અને બે ટીઆરબી ફરજ પર હોય છે, છતાં રોજિંદી ટ્રાફિક સમસ્યામોરબી : મોરબીમાં નટરાજ ફાટકે દરરોજ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. અહીં પોલીસ સ્ટાફ ફરજ પર તો હોય છે પણ તેઓ ટ્રાફિકની કામગીરીને બદલે દંડ વસુલવામાં વ્યવસ્ત હોવાથી ભારે અવ્યવસ્થા સર્જાતી હોવાના દ્રશ્યો વારંવાર સામે આવે છે. નટરાજ ફાટકે 4 રસ્તા પડે છે. જેમાં એક રસ્તો મોરબી તરફ, બીજો માળિયા તરફ, ત્રીજો લાલબાગ સેવા સદન તરફ અને ચોથો શોભેશ્વર રોડ તરફ જાય છે. આ વિસ્તારમાં દરરોજ મોટી સંખ્યામાં વાહનોની અવર જવર હોય છે. અહીં ટ્રાફિક વ્યવસ્થા માટે એક પીએસઆઈ, બે પોલીસ જવાન અને બે ટીઆરબી જવાન ફરજ પર હોય છે. પરંતુ આ પોલીસ સ્ટાફ દંડ વસુલવાની કામગીરીમાં જ વ્યસ્ત જોવા મળતા હોય છે. જેથી ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. ખાસ ફાટક બંધ થાય છે ત્યારે આડેધડ વાહનો નીકળતા હોવાથી લાંબો સમય ટ્રાફિક ક્લિયર થતું હોય છે. ઉપરાંત પુલ થી આગળ શંકર આશ્રમ સુધી વાહનોની લાંબી લાઈનો જોવા મળે છે. વધુમાં ફાટકની બીજી બાજુ વાઘજી બાપુના બાવલા પાસે તો ટ્રાફિક પોલીસ જ હોતા નથી. જેથી આ વિસ્તારમાં દંડ વસુલવાની કામગીરીને બદલે ટ્રાફિક નિયમન ઉપર વધુ ધ્યાન દેવાની જરૂર જણાય રહી છે.