પાલીતાણા નજીકથી આરોપીની રૂ.1 લાખ રોકડ સાથે ધરપકડ : આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રકશન કરાવાયું : કોર્ટે તા.10 સુધીના રિમાન્ડ મંજુર કર્યાટંકારા : ટંકારા નજીક ખજૂરા હોટેલ પાસે થયેલી ચકચારી લૂંટના બનાવમાં પોલીસે અગાઉ ત્રણ આરોપી ઝડપી લીધા બાદ વધુ એક આરોપીને પાલીતાણા નજીકથી રૂ.૧ લાખની રોકડ સાથે પકડી લીધો છે. આ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે લૂંટનો પ્લાન તેઓ રાજસ્થાન ફરવા ગયા ત્યારે ઘડયો હતો. વધુમાં આ આરોપીને પોલીસે ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રકશન પણ કરાવ્યું છે. કોર્ટે આરોપીના તા.10 સુધીના રિમાન્ડ પણ મંજુર કર્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા નજીક ખજુરા હોટેલ પાસે આંગડિયા પેઢીના માલિક પાસેથી થયેલ લૂંટના બનાવમાં પોલીસે નાકાબંધી દરમ્યાન આરોપી અભિભાઇ લાલાભાઇ અલગોતર અને અભીજીતભાઈ ભાવેશભાઈ ભાર્ગવ રહે. બન્ને ભાવનગર વાળાને રોકડા રૂ.૭૨,૫૦,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૮૧,૫૦,૦૦૦/- સાથે પકડી લેવામાં આવ્યા હતા. સાથે આશરો આપનાર જબલપુર ગામની સીમમાં આવેલ બાલાજી કોઇર કારખાનાનું સંચાલન કરનાર દિગ્વીજયભાઇ અમરશીભાઇ ઢેઢીની સંડોવણી જણાઈ આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી.આ લૂંટમાં હીતેષભાઈ ચાવડા, નિકુલભાઇ અલગોતર, દર્શીલ ભરવાડ, અલ્પેશ પરમાર, મેહુલ ઉર્ફે કાનો આહીરના નામ ખુલ્યા હતા. તપાસ દરમિયાન આરોપી હિતેષ ચાવડા ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકાના દુધાળા ગામની સીમમાં આવેલ વિજાઆપાના આશ્રમ ખાતે હોવાની ચોક્કસ હકીકત મળતા પોલીસની બે ટીમોએ દુધાળા ગામની સીમમાં આવેલ વિજાબાપાના આશ્રમ ખાતેથી આરોપી હિતેષભાઈ પાંચાભાઈ ચાવડા ઉ.વ.૩૧ રહે. સાંજણાસર તા.પાલીતાણા જી.ભાવનગર વાળા પાસેથી લુંટ કરેલ રોકડા રૂપીયા પૈકી રોકડ રૂ.૧,૦૦,૦૦૦/- ના મુદામાલ સાથે ધરપકડ કરી છે. આ આરોપીની પુછપરછ દરમ્યાન તેને કબૂલાત આપી હતી કે પોતે તથા સહ આરોપી પરેશ જોગરાણા, દર્શીલ બોલીયા તથા અન્ય એક વ્યકિત એમ બધા રાજસ્થાન ખાતે ફરવા ગયેલ હોય તે અરસામાં પીતાના મિત્ર સહ આરોપી અલ્પેશ પરમાર, મેહુલ ઉર્ફે કાનો આહીરે જણાવેલ કે, રાજકોટથી મોરબી દરરોજ આંગડીયા પેઢીના મોટી માતબર રકમ ભરેલ કાર જાય છે જે કારને આંતરી લુંટ કરવાની છે. બાદમાં અલ્પેશ પરમારે મોબાઇલ ફોનમાં લોકેશન મોકલેલ જે લોકેશન આધારે આરોપી હીતેશ ચાવડા, પરેશ જોગરાણા, દર્શીલ બોલીયા એમ ત્રણેય રાજસ્થાન ખાતેથી સીધા ટંકારા તાલુકાના જખલપુર ગામની સીમમાં બાલાજી કોઇર કારખાને તા.૧૭/૦૫/૨૦૨૫ ના રોજ આવ્યા હતા. જ્યાં અલ્પેશ પરમાર, મેહુલ ઉર્ફે કાનો આહીર તથા કારખાનેદાર દિગ્વીજય પટેલ હાજર હતા. જે બધાએ સાથે મળી લુંટનો આખો પ્લાન બનાવ્યો હતો અને તા. ૨૦/૦૫/૨૦૨૫ ના રોજ ટંકારા ખાતેથી આરોપી હીતેશ ચાવડાની બલેનો કાર લઈ રાજકોટ બેડી ચોકડીએ આંગડીયા પેઢીની કારની રેકી કરી હતી. પરંતુ એક કારથી લૂંટ શક્ય ન હોય અને વધુ માણસોની જરૂરીયાત જણાઇ આવતા આરોપી હિતેશ ચાવડાએ પોતાના મિત્રો અભિભાઈ અલગોતર, અભીજીતભાઈ ભાવેશભાઇ ભાર્ગવ, નિકુલભાઈ અલગોતર રહે. ત્રણેય ભાવનગર વાળાઓને પોલો કાર સાથે ટંકારા બોલાવ્યા હતા અને તમામ આરોપીઓએ બાલાજી કોઇર કારખાને ફરીથી લુંટનો પ્લાન બનાવી કારખાનેથી લાકડાના ધોકા,છરી, પાઈપ જેવા હથિયાર સાથે લઇ તા. ૨૧/૦૫/૨૦ ના રોજ લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો. આ કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર વિભાગ- વાંકાનેર સમીર સારડા, ટંકારા પીઆઇ કે.એમ. છાસીયા સહિતના રોકાયેલ હતા.