નંબર પ્લેટ વગરના બાઈક સાથે નીકળેલા શખ્સોની પોકેટકોપ એપથી પોલ ખૂલીટંકારા (મોરબી અપડેટ) : ટંકારા પોલીસે ઉગમણા નાકા પાસેથી થયેલી મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ગણતરીના દિવસોમાં બે આરોપીઓને ચોરાયેલા બાઈક સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ગત તારીખ 25/08/2026 ના રોજ રાત્રીના સાડા બારેક વાગ્યાથી સવા બે વાગ્યાના અરસામાં ટંકારા ઉગમણા નાકા પાસેથી સુનિલભાઈ રમેશભાઈ દંતેસરીયાનું હિરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (રજીસ્ટ્રેશન નંબર GJ-36-AD-2597) ચોરાઈ ગયું હતું. આ મામલે સુનિલભાઈએ તારીખ 20/09/2026 ના રોજ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.આ મિલકત સંબંધી ગુનો ઉકેલવા પોલીસ ઇન્સ્પેકટર જે.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. આ દરમિયાન ટંકારા નગરનાકા સામેથી બે શખ્સો નંબર પ્લેટ વગરનું મોટરસાયકલ લઈને પસાર થતા પોલીસે તેમને રોક્યા હતા. બાઇકની આર.સી. બુક માંગતા તેઓએ ગલ્લા તલ્લા કરી સંતોષકારક જવાબ આપ્યા ન હતા. જેથી પોલીસે પોકેટકોપ/ઈ-ગુજકોપ એપ્લિકેશનમાં બાઇકના એન્જીન અને ચેસીસ નંબર સર્ચ કરતા બાઈકના મૂળ માલિક સુનિલભાઈ દંતેસરીયા હોવાનું ખૂલ્યું હતું.પોલીસે બંને ઈસમોની યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેઓએ સાથે મળીને મોટરસાયકલની ચોરી કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે આરોપી અજયભાઈ જીવણભાઈ મકવાણા (ઉ.વ. 37, રહે. હાલ ટંકારા અમરાપર રોડ ફુલવાડી વિસ્તાર, મૂળ રહે. ખાખરા, તા. ટંકારા) અને જયરાજસિંહ કરણસિંહ ઝાલા (ઉ.વ. 24, રહે. કોઠારીયા, તા. વાંકાનેર) ની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 15,000 ની કિંમતનું ચોરાયેલું નંબર પ્લેટ વગરનું હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઈક જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.#Tankara #Morbi #CrimeNews #BikeTheft #TankaraPolice #MorbiPolice #MorbiUpdates #GujaratPolice