બે દિવસ પહેલા જ ભાગી જવા માટે બીમારીનું નાટક કરીને સિવિલમાં દાખલ થવાની જીદ પકડી હતી મોરબી : મોરબીની સબજેલમાં પોકસો કેસમાં સજા ભોગવતા કેદીએ આજે બપોરના સમયે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. જો કે આ કેદીના આપઘાતનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું ન હતું. પણ જેલ અધિક્ષકના કહેવા મુજબ બે દિવસ પહેલા જ ભાગી જવા માટે બીમારીનું નાટક કરીને સિવિલમાં દાખલ થવાની જીદ પકડી હતી. હાલ આ મુદ્દે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. મોરબી સબજેલના જેલર એલ.વી.પરમારે આ ઘટનાની માહિતી આપતા જણાવ્યું હતું કે, માળીયાના જખરીયા વાંઢ વિસ્તારમાં રહેતો જૈનુલ ઉર્ફે અબુ હૈદરઅલી કટિયા (ઉ.વ.24)ની સામેં સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ કરવાનો ગુનો નોંધાયો હતો. આથી આરોપીને પોલીસે પકડીને કોર્ટના આદેશ મુજબ આઠ-દસ દિવસ પહેલા જ મોરબીની સબજેલમાં ધકેલી દીધો હતો. દરમિયાન આ કેદીએ આજે બપોરે 2 વાગ્યાની આસપાસ મોરબીની સબજેલમાં શૌચાલય પાસે ખુલ્લા મેદાનમાં ગળેટૂંપો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવની જેલ સ્ટાફને જાણ થતાં મૃતકની ડેડબોડીને પીએમ અર્થે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જેલરે વધુમાં જણાવ્યું હતું કે,મૃતક કેદીના મનમાં પ્રેમનું ભૂત સવાર થયું હોવાથી જેલમાંથી ભાગી જવા માટે પણ તેણે પ્રયાસો કર્યા હતા. જેમાં બે દિવસ પહેલા તેણે બીમારીનું નાટક કરીને સિવિલ હોસ્પિટલમાં દાખલ થવાની જીદ પકડી હતી.પણ જેલન સ્ટાફે આ કેદીના ભાગી જવાના મનસૂબા પર પાણીઢોળ કરી દીધો હતો. જો કે હાલ આ કેદીના આપઘાતનું સાચું કારણ બહાર આવ્યું નથી. આથી પોલીસે આ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.