મોરબી : સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ તેમજ ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે સર્વત્ર ઉમાશંકર અંતર્ગત કવિ ઉમાશંકર જોશીની 114મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ કોલેજના સેમિનાર હોલ ખાતે કાર્યક્રમનો આરંભ વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો. ડો. નાજાભાઇ કોડીયાતરે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવેલ. પ્રારંભમાં કાર્યક્રમના સંયોજક ડો. રામભાઈ વારોતરીયાએ અકાદમીના સહયોગથી યોજાયેલ આ કાર્યક્રમની ભૂમિકા બાંધી હતી. વક્તા ડો. સતીશભાઈ ડાંગરે ઉમાશંકર જોશીની એકાંકીઓ વિશે રસાળ શૈલીમાં પોતાનું તજજ્ઞ વક્તવ્ય આપેલ. મોરબીના જાણીતા કવિ લેખક સંજય બાપોદરીયાએ ઉમાશંકર જોશીની કાવ્ય સૃષ્ટિ અંતર્ગત ઉત્તમ કવિતાઓ રજૂ કરી હતી.આ કાર્યક્રમ પ્રિન્સિપાલ પ્રા. કે. આર. દંગીના અધ્યક્ષ સ્થાન હેઠળ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ, સ્ટાફ પરિવાર તથા મોરબીના સાહિત્ય રસીકો ઉપસ્થિત રહેલ. કાર્યક્રમની આભાર વિધિ ડો. રેખાબેને કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.કવિતાબા ઝાલાએ કર્યું હતું. કાર્યક્રમને અંતે સૌ અલ્પાહાર લઈને છૂટા પડ્યા હતા.