ભારતીય કિસાન સંઘ મોરબી દ્વારા મોરબી જિલ્લાને પ્રોજેક્ટ ફાળવવા માગ મોરબી : મોરબી જિલ્લાને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત PMSKY WDC 2.0 પ્રોજેકટ ફાળવવા બાબતે ભારતીય કિસાન સંઘ મોરબીના પ્રમુખ બાબુલાલ એલ. સીણોજીયા દ્વારા મોરબી કલેકટરને લેખિતના રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMSKY WDC 2.0) ગુજરાતને ફાળવવામાં આવી છે. જેમાં ગુજરાતમાં 33 જિલ્લામાંથી 32 જિલ્લામાં આ પ્રોજેકટની ફાળવણી કરવામાં આવી છે. માત્ર એક મોરબી જિલ્લામાં આ પ્રોજેકટની ફાળવણી કરવામાં આવી નથી. આ પ્રોજેક્ટ ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ફાળવવામાં આવતો હોય છે. આ પ્રોજેક્ટ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી થાય છે. તેમજ ખેડૂતોની જીવાદોરી સમાન છે. આ પ્રોજેક્ટમાં નવા તળાવ, નવા ચેકડેમ, જુના/નવા તળાવ ઊંડા ઉતારવા, ખેતરપાળા, ખેત તલાવડી વગેરે જેવા જળસંચયના કામો થાય છે. તેમજ જમીન વિહોણા લોકો માટે લાઈવ્લીહુડ તથા માઈક્રો એન્ટરપ્રાઇઝ હેઠળ આ જીવીકના સાધનો, ઓજારો વગેરે આપવામાં આવે છે. તેમજ મોરબી જિલ્લાની આજુબાજુના તમામ જિલ્લાઓમાં PMSKY WDC 2.0 પ્રોજેકટ હાલ કાર્યરત છે. તેમજ મોરબી જિલ્લાની ભૌગોલિક સ્થિતિ કચ્છ-જામનગર-રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાને અનુરૂપ હોય તો મોરબી જિલ્લાને પણ ભૌગોલિક પરિસ્થિતિ મુજબ PMSKY WDC 2.0 પ્રોજેકટ ફાળવવામાં આવે તેવી માગ કરાઈ છે.