જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષ સ્થાને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો: વિવિધ પ્રદર્શન સ્ટોલથી ખેડૂતોએ માર્ગદર્શન મેળવ્યું મોરબી: ખેડૂતોની આર્થિક ઉન્નતિ અને આધુનિક કૃષિ પદ્ધતિના પ્રસાર માટે મોરબીના ગોર ખીજડીયા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ‘પી.એમ. કિસાન ઉત્સવ દિવસ’ અને ‘મિલેટ્સ મેળા’નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાના 77,951 ખેડૂત લાભાર્થીઓના બેંક ખાતામાં પી.એમ. કિસાન સન્માન નિધિ યોજનાના 22માં હપ્તા પેટે કુલ 15.56 કરોડથી વધુની રકમ સીધી જ જમા કરવામાં આવી હતી.જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ખેડૂતોને સંબોધતા જણાવાયું હતું કે, સરકાર ખેડૂતોની આર્થિક સદ્ધરતા માટે સતત પ્રયત્નશીલ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તેવો આગ્રહ કરવામાં આવ્યો હતો જેથી જમીન અને માનવ સ્વાસ્થ્ય બંનેની સુરક્ષા થઈ શકે. આ તકે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને વિવિધ સબસિડી અને યોજનાકીય લાભો મેળવી ખેતીને વધુ આધુનિક બનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ખેડૂતોએ નિહાળ્યું હતું. આ ઉપરાંત, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ખેતીવાડી, બાગાયત, પ્રાકૃતિક કૃષિ અને આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ પ્રદર્શન સ્ટોલ્સ રાખવામાં આવ્યા હતા, જેની મહાનુભાવો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોએ મુલાકાત લઈ માર્ગદર્શન મેળવ્યું હતું.આ અવસરે તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ, જિલ્લા ખેતીવાડી અધિકારી હિમાંશુ ઉસદડીયા, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) કે.વી. પરસાણિયા, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક એમ.એફ. ભોરણીયા તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ અને બહોળી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.#Morbi #MorbiUpdate #PMKisan #Farmers #Agriculture #MilletsFair #NaturalFarming #KVKMorbi #GujaratFarmers #DigitalPayment