ઓરેવાના વકીલે કહ્યું એક સાથે 300 લોકો પુલને ઝૂલાવતા દુર્ઘટના સર્જાઈ : એક સાથે આટલા વ્યક્તિને જવા કેમ દેવાયા ?? હાઇકોર્ટનો વેધક સવાલ અજંતા ઓરેવા કંપની વચગાળા માટે તમામ મૃતકો અને ઇજાગ્રસ્તોને કુલ મળી રૂપિયા 5 કરોડ વળતર ચૂકવવા તૈયાર હોવાનું કોર્ટે સમક્ષ જણાવ્યું મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં આજે લગલગાટ બીજા દિવસે નામદાર હાઇકોર્ટમાં લંબાણ પૂર્વકની સુનાવણી ચાલુ રહી હતી જેમાં મુખ્યત્વે આ દુર્ઘટના બાદ રાજ્યમાં પુલ માટે એક સમાન જાળવણી પોલીસી, મૃતકોને વળતર, અનાથ બનેલા બાળકોના મુદા ઉપરાંત ઝૂલતા પુલનું સંચાલન કરનાર અજંતા - ઓરેવા કંપની દ્વારા વળતર ચૂકવવા મુદ્દે દલીલો ચાલી હતી જેમાં એક તબક્કે અજંતા ઓરેવાના વકીલે એક સાથે 300 લોકો ઝૂલતા પુલ ઉપર જવાથી અને પુલને ઝુલાવવાથી આ દુર્ઘટના સર્જાઈ હોવાની દલીલ કરતા નામદાર હાઇકોર્ટે આટલા બધા વ્યક્તિઓને એક સાથે જવા કેમ દીધા તેવો વેધક સવાલ ઉઠાવતા અજંતા ઓરેવાના વકીલને જવાબ આપવો મુશ્કેલ થયો હતો. મોરબીમાં 30 ઓક્ટોબરના રોજ ઝૂલતો પુલ તૂટી પડતા 135 નિર્દોષ લોકોનો ભોગ લેવાતા નામદાર હાઇકોર્ટ દ્વારા સુઓમોટો રિટ પીટીશન દાખલ કરવામાં આવતા ગઈકાલ બાદ આજે બીજા દિવસે પણ ઝૂલતા પુલ કેસ સંદર્ભે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સોનિયાબેન ગોકાણી અને જસ્ટિસ સંદીપ એન.ભટ્ટની બેચ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આજે સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી દ્વારા રાજ્યભરના પુલ અંગેની કોમન પોલીસી અંગે વિસ્તૃત જાણકારી નામદાર કોર્ટને આપી હતી. સાથે જ શહેરી વિસ્તારમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારના પુલ માટે જાળવણી સંદર્ભે સરકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગની જે પોલીસી અમલમાં છે તેવી જ કોમન પોલીસી આગામી માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામા લાગુ કરી દેવામાં આવશે તેવી ખાતરી આપી હતી. બીજી તરફ આજની સુનાવણી દરમિયાન અજંતા - ઓરેવાના વકીલ નિરૂપમ નાણાવટીએ નામદાર હાઈકોર્ટને કોઈપણ શરતો વગર હાલના તબક્કે અજંતા કંપની મૃતકો અને ઘાયલો માટે 5 કરોડ રૂપિયા જમા કરાવવા તૈયાર હોવાનું જણાવતા નામદાર હાઇકોર્ટ દ્વારા 135 મૃતકો અને 56 ઘાયલ લોકો માટે માત્ર રૂપિયા 5 કરોડ જેટલી રકમ પૂરતી ન હોવાનું જણાવ્યું હતું. જો કે અજંતા કંપની તરફથી દલીલમાં જણાવાયું હતું કે, કંપનીએ નફો કમાવવા નહિ માત્ર ઐતિહાસિક વારસો જળવાઈ રહે તેવા હેતુથી મોરબી ઝૂલતા પુલની સાથે રાજકોટના જામ ટાવરની પણ સાર સંભાળ માટે ખર્ચ કર્યો હોવાનું ઉમેરી રૂપિયા 5 કરોડની વળતરની રકમ આખરી નહિ પરંતુ વચગાળાના સમય પૂરતું હોવાનું જણાવી આ ધનરાશીમાંથી મૃતકોને 3.50 લાખ અને ઇજાગ્રસ્તોને 1 લાખથી વધુ વળતર આ રકમમાંથી ચૂકવાશે તેવું જણાવ્યું હતું. સુનાવણી દરમિયાન એક તબક્કે અજંતા ઓરેવાના વકીલ નિરૂપમ નાણાવટીએ ઝૂલતા પુલ દુર્ઘટના સર્જાવા માટે એક સાથે 300 લોકો પુલ ઉપર જવાથી અને પુલને ઝુલાવવાથી આ દુર્ઘટના સર્જાઈ હોવાનો તર્ક રજૂ કરતા નામદાર હાઇકોર્ટે વેધક સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, એક સાથે આટલા બધા લોકોને જવા કોને દીધા ? શુ નગરપાલિકાએ આ બધા માણસો ને જવા દીધા હતા ? સહિતના સવાલો ઉઠાવતા બચાવપક્ષ મૂંઝવણમાં મુકાઈ ગયો હતો. દરમિયાન નામદાર હાઇકોર્ટના આજની સુનાવણી દરમિયાન પીડિત પરિવારોવતી એડવોકેટ દ્વારા ભોપાલ ગેસ દુર્ઘટના અને દિલ્હી ઉપહાર સિનેમા ગૃહમાં ચુલવવામાં આવેલ વળતર મુજબ દરેક મૃતક પરિવારને વ્યક્તિ દીઠ એક - એક કરોડ ચૂકવવા માટે માંગણી ઉઠાવી નામદાર સુપ્રીમ કોર્ટની ત્રણ ગાઈડ લાઇન મુજબ મૃતકોને વળતર ચુકવવા માંગ કરી જ્યારે સરકાર અને ખાનગી કંપનીની જવાબદારી નક્કી થતી હોય તે મુજબ પ્રવર્તમાન સંજોગો મુજબ વળતર ચૂકવવા માંગણી કરવામાં આવતા નામદાર હાઇકોર્ટ દ્વારા આવતીકાલે ખાસ કરીને વળતર સંદર્ભે ફેંસલો કરવામાં આવે તેવી શક્યતાઓ વચ્ચે આવતીકાલે પણ ઝૂલતા પુલ દુર્ઘટના કેસની સુનાવણી ચાલુ રાખવા મુકરર કર્યું હતું.