ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન, ગોલ્ડ મેડલ ફંક્શન, મ્યુઝિકલ પાર્ટી, ગુરુવંદના, સન્માન સમારોહ સહિતના કાર્યક્રમો યોજાશેરાજ્ય સરકારના મંત્રી અને ભૂતપૂર્વ વિદ્યાર્થી અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના મહેમાનો આપશે હાજરીમોરબી : મોરબીની જાણીતી એલ.ઈ. કોલેજને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આ અવસરે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 2026 જાન્યુઆરીમાં એલઈ કોલેજને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય મોરબીમાં પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીનું આયોજન કરાયું છે.આ અંગે માહિતી આપતા આયોજકે જણાવ્યું હતું કે, એલઈ કોલેજના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે તારીખ 9, 10 અને 11 જાન્યુઆરી એમ ત્રણ દિવસ પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીનું આયોજન કરાયું છે. જેમાં 9 તારીખના રોજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે અને પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરશે. બીજા દિવસે 10 જાન્યુઆરીના રોજ ગ્રાન્ડ સેરેમની યોજાશે. જેમાં 15મું ગોલ્ડ મેડલ ફંક્શન યોજાશે. જેમાં 8 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. આ ફંક્શનમાં અતિથિ વિશેષ તરીકે કોલેજના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ગુજરાત સરકારના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા હાજર રહેશે. ભૂતપૂર્વ વિદ્યાર્થી જાણીતા સિવિલ એન્જિનિયર પ્રહલાદભાઈ પટેલ, હર્ષ શાહ, લેન્કો એલ્યુમની એસોસિએશનના સ્થાપક હરીશભાઈ રંગવાલા, રાજુભાઈ શાહ ઉપસ્થિત રહેશે. 10 જાન્યુઆરીએ બપોર બાદ જુના મોરબીની યાદો તાજી કરવા માટે ગેસ્ટ હાઉસ રોડ પરથી, નહેરુ ગેઈટ થઈ, ગ્રીન ચોક થઈ દરબારગઢ સુધી પ્રોસેસન યોજાશે. રાત્રે મ્યુઝિકલ પાર્ટીનું આયોજન કરાયું છે. 11 જાન્યુઆરીના રોજ ગુરુવંદના કાર્યક્રમ અને સન્માન કાર્યક્રમ યોજાશે. આ સન્માન કાર્યક્રમમાં આચાર્યો, દાતાઓ સહિતના જે લોકોએ મહત્વનું યોગદાન આપ્યું છે તેઓને સન્માનિત કરાશે.આ કાર્યક્રમમાં જોડાવવા માટે 2 હજાર જેટલા પરિવારોની નોંધણી થઈ ચુકી છે. આખું વર્ષ આ પ્રકારના કાર્યક્રમો ચાલશે. આ ત્રણ દિવસ યોજાનાર કાર્યક્રમને લઈને સૌમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર આયોજન માટે ટીમ ખૂબ જ ઉત્સાહથી કામ કરી રહી છે.