મોરબી : પશ્ચિમ રેલ્વે મુસાફરોના હિતમાં અનેક પગલાં લઈ રહ્યું છે અને સ્ટેશનો પર સતત મુસાફરોની સુવિધામાં વધારો થાય છે. રાજકોટ ડિવિઝન પર મુસાફરોની સગવડતાને લગતા વિવિધ કામો પણ ચાલુ છે. ત્યારે મોરબી સ્ટેશન પર વિવિધ પેસેન્જર સુવિધાઓનું ઉદ્ઘાટન સાંસદ વિનોદ ચાવડા દ્વારા વીડિયો માધ્યમથી કરાયું હતું. રાજકોટ વિભાગીય રેલ્વે મેનેજર પરમેશ્વર ફુંકવાલે માહિતી આપી હતી કે મોરબી સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 1નું નવિનીકરણ કરવામાં આવ્યું છે અને તેની ઊંચાઈ પણ વધારી દેવામાં આવી છે. જેથી, લાંબા અંતરની ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો, ખાસ કરીને વિકલાંગો, વૃદ્ધો, મહિલાઓ અને બીમાર મુસાફરોને ટ્રેનમાં ચડવામાં કોઈ અસુવિધા નથી. પ્લેટફોર્મ નં. 1ની ઊંચાઈનું લેવલ વધારી દેવામાં આવ્યું છે અને તેની લંબાઈ 391 મીટરથી વધારીને 533 મીટર કરવામાં આવી છે. આ નવા બાંધકામ કામની કુલ કિંમત આશરે 68 લાખ રૂપિયા છે. આ પ્રસંગે કચ્છના સંસદ સભ્ય વિનોદ ચાવડાએ ખુશી વ્યક્ત કરતા રેલ્વેનો આભાર માન્યો અને કહ્યું કે આ નવીનીકરણથી મુસાફરોને વધુ સારી સુવિધાઓ મળશે. કાર્યક્રમના અંતે સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજર અભિનવ જેફે કાર્યક્રમમાં ઉપસ્થિતિ માટે સાંસદનો આભાર માન્યો હતો. આ પ્રસંગે વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા રાજકોટ વિભાગના વિવિધ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.