આ ઉત્સવમાં અનેક અનાથ બાળકો અને વૃદ્ધાશ્રમનાં વડીલો ઉપસ્થિત રહી ઉત્સવનો લાભ લેશે મોરબી: મોરબીમાં સરદારબાગ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદીર તથા પુજારા અને બાવરવા પરિવાર દ્વારા તારીખ ૧૩ જાન્યુઆરીને રવિવારે ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં શાકોત્સવની સાથે સાથે ઘણાં પ્રસંગોની ઉજવણી થશે. તારીખ ૧૩નાં રોજ સાંજે ૪ થી ૭ યોજાનારા આ ઉત્સવમાં ઠાકોરજીનું સામૈયું, રાસોત્સવ, ધૂન કીર્તન, સત્સંગ, અતિથિઓનુ સન્માન, સંતોના આશીર્વચનો તથા શાકોત્સવનો મહાપ્રસાદ પણ યોજાશે. આ ઉત્સવનાં યજમાન ઘનશ્યામભાઈ નાનાભાઈ પુજારા પરિવાર અને શાંતિલાલ ઓધવજીભાઈ બાવરવા પરિવાર છે. આ ભવ્ય શાકોત્સવમાં અનેક સંતો, મહંતો તથા બહેન ભક્તોને વિશેષ લાભ પ્રદાન કરવા માટે સાંખ્યયોગી રાજકુંવરબા અને ઉષાબા મંડળ સાથે પધારશે. આ શાકોત્સવમાં સંતો દ્વારા તૈયાર કરવામાં આવેલુ શાક મહાપ્રસાદ રૂપે આપવામા આવશે. આ શાકોત્સવમાં અનેક અનાથ બાળકો અને વૃદ્ધાશ્રમનાં વડીલોને પણ આમંત્રણ આપવામા આવ્યું છે. આ શાકોત્સવનો લાભ જનસામાન્યને લેવા માટે ભક્તિનંદન સ્વામી તેમજ સત્સંગ સમાજ દ્વારા અનુરોધ કરાયો છે.