તમામ ઇજાગ્રસ્તોની સારવારનો ખર્ચ પણ ઉઠાવશે, સાથે જ્યાં પ્લેન ક્રેશ થયું તે હોસ્ટેલનું પુનઃનિર્માણ પણ કરાવશે મોરબી : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર તમામ લોકોને રૂ.એક-એક કરોડની સહાય આપવાની ટાટા ગ્રુપે જાહેરાત કરી છે. આ સાથે ઇજાગ્રસ્તોની સારવારનો ખર્ચ પણ ઉઠાવશે. સાથે જે હોસ્ટેલને નુકસાન થયું છે તેનું પુનઃનિર્માણ પણ કરાવશે.આજે બપોરે લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદ ઍરપોર્ટ નજીક મેઘાણીનગર વિસ્તારમાં ટેક ઑફ થયાના થોડીવાર પછી ક્રેશ થયું હતું. વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં બે પાયલોટ સહિત 12 ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 241 લોકોના મોત થયા હોવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ટાટા ગ્રૂપે જાહેરાત કરી છે કે, અકસ્માતમાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને એક કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે એર ઇન્ડિયા ટાટા ગ્રૂપની માલિકીનું છે. ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને કહ્યું છે કે, આ મુશ્કેલ સમયમાં શબ્દો ખૂટી પડે છે. અમે મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડી શોકની લાગણી વ્યક્ત કરીએ છીએ. પોતાના પ્રિયજનો ગુમાવનારા અને ઈજાગ્રસ્ત થનારા તમામ સાથે અમારી સંવેદના છે. ટાટા ગ્રૂપે જાહેરાત કરી છે કે, અકસ્માતમાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને એક કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. ટાટા ગ્રૂપ ઈજાગ્રસ્ત મુસાફરોની સારવારનો સંપૂર્ણ ખર્ચ પણ ઉઠાવશે અને તેમને દરેક જરૂરી તબીબી સુવિધા પૂરી પાડશે. ટાટા ગ્રૂપ અમદાવાદમાં બીજે મેડિકલ કૉલેજના હોસ્ટેલના પુનઃનિર્માણ માટે પણ મદદ કરશે. કંપનીએ એમ પણ કહ્યું છે કે તે આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્ત પરિવારો અને સમુદાયો સાથે મજબૂત રીતે ઊભી છે.