રોડના ખાડા પર યોગ્ય લેવલીગ ન થતા હાડમારી યથાવત, રોડના આડેધડ રીપેરીંગથી ટ્રાફિકજામ મોરબી : મોરબીમાં વરસાદે માર્ગોની પથારી ફેરવી નાખી હતી અને શહેર ખાડા નગરીમાં ફેરવાયું હોય તે રીતે મોટાભાગના રોડ ઉપર જીવલેણ ખાડાઓ પડી જતા વાહન ચાલકોને હાડમારી ભોગવવી પડી છે.ત્યારે વરસાદ રહી જતા રોડ પરના ખાડાઓનું રીપેરીંગ કાર્ય હાથ ધરાયુ છે. મોરબીમાં સતત વરસાદને પગલે મોટાભાગના માર્ગો ધોવાઈ ગયા છે. ઘણા માર્ગો પર એટલી હદે ખાડા પડી ગયા છે કે લોકોને અકસ્માતથી બચવું મુશ્કેલ બન્યું છે ત્યારે હવે વરસાદે વિરામ લેતા મોરબી નગરપાલિકા તંત્ર અને આર એન્ડ બી વિભાગના દ્વારા માર્ગોના રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. પણ માર્ગોના ખાડાના રીપેરીંગના નામે થુંકના સાંધા જ કરાતા હોય તેવી સ્થિતિ ઉદભવી છે. જેમાં રવાપર રોડ, શબલ રોડ, વીસી ફાટક રોડ સહિતના ઘણા માર્ગો ઉપર ખાડાના રીપેરીંગના નામે મોરમ નાખવામાં આવી છે. પણ મોરમનું યોગ્ય લેવલીગ કર્યા વગર જ ખડકી દેતા હાડમારી યથાવત રહી છે. ખાસ કરીને સતત ટ્રાફિક ધરાવતા વિસ્તારમાં રોડના રીપેરીંગનું ચાલુ વાહન વ્યવહાર દરમિયાન અણઘડ રીતે કામ કરાતા ટ્રાફિકજામ થયો છે અને વાહન ચાલકોની મુશ્કેલી ઘટવાને બદલે વધી છે. આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ કહ્યું હતું કે વરસાદથી જે માર્ગોની હાલત ખરાબ થઈ હતી.ત્યાં હવે વરસાદ રહી જતા સમારકામ શરૂ કરાયું છે. જેમાં રવાપર રોડ સહિતના પાલિકા હસ્તકના માર્ગોનું પાલિકા તંત્ર દ્વારા તેમજ શનાળા રોડ સહિતના માર્ગોનું રીપેરીંગ આર એન્ડ બી વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. રસ્તાનું સમારકામ યોગ્ય રીતે થાય અને એ દરમિયાન લોકોને મુશ્કેલી ન થાય તેની તકેદારી લેવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..