મોરબી : મોરબીમાં હાલમાં હળવદ અને જેતપર રોડને ફોરલેન બનાવવાની કામગીરીને કારણે રોડ ખોદાઈ ગયા હોય જેતપર પીપળી રોડ ઉપર તો રોડ ખાડામા કે ખાડામાં રોડ તે કહેવું વાહન ચાલકો માટે મુશ્કેલ બન્યું છે, બીજી તરફ સતત વરસતા વરસાદી ઝાપટામાં અહીં કિચડનું સામ્રાજ્ય છવાયું હોય સવારથી ભયંકર ટ્રાફિક જામ સર્જાયો છે. મોરબીના સિરામિક ઝોન એવા જેતપર, પીપળી, રંગપર રોડ ઉપર ફોરલેન રોડની કામગીરીને કારણે હાલમાં આ રોડ અત્યંત ખતરનાક બની ગયો છે, જ્યાં જુઓ ત્યાં ગારા કિચડના સામ્રાજ્ય વચ્ચે રોડ ખોદાઈ ગયેલ હોવાથી વાહન ચાલકોને કયા ગાડી ચલાવવી તે ખબર જ નથી પડતી. એમાં પણ સતત વરસાદને કારણે આ રોડ વાડીઓમા જવાના રસ્તાથી પણ બદતર બની ગયો છે. દરમિયાન પીપળી રોડ ઉપર આવા જ કડવા અનુભવનો સામનો કરનાર બ્રિજરાજસિંહ જાડેજાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે સવારે 11 વાગ્યાથી પીપળીથી રંગપર સુધી ટ્રાફિક જામ સર્જાયો છે અને આ ટ્રાફિક જામનું એક માત્ર કારણ રોડ ઉપર પડેલા ખાડાઓ હોવાનું તેમને જણાવી ઇમરજન્સી હોય તો માણસની શુ સ્થિતિ થાય એ અંગે સવાલ ઉઠાવી સત્વરે આ રોડને વાહન ચાલકો માટે ચાલવા યોગ્ય બનાવવા માંગ ઉઠાવી હતી.