પીપળીયા ચાર રસ્તે હાર્ડવેરની દુકાનમાં બપોરે બે ગઠિયા હાથફેરો કરવામાં સફળ : ઘટના સીસીટીવીમાં કેદ મોરબી : મોરબી નજીક પીપળીયા ચાર રસ્તે આજે બપોરે બે ગઠિયા હાર્ડવેરની દુકાનમાં રાખવામાં આવેલ ૭૦ હજારની રોકડ ભરેલો થેલો લઈ છુંમંતર થઈ જતા વેપારી આલમમાં ચકચાર જાગી છે, ઉલ્લેખનીય છે કે પંદર દિવસ પૂર્વે આજ વિસ્તારમાં એક સાથે છ- છ દુકાનો તૂટી હતી. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી પીપળીયા ચાર રસ્તા નજીક આજે બપોરે સન્ની હાર્ડવેર નામની દુકાનને બે ગઠિયાઓએ નિશાન બનાવી હતી, બપોરના સમયે હાર્ડવેરની દુકાનના માલિક હરેશભાઇ ઝાલારીયા કામ સબબ ગોડાઉનમાં જતા પાછળથી મોકો જોઈ બે ગઠિયાઓએ દુકાનના થળામાં રહેલી ૭૦ હજારની રોકડ અને મહત્વના કાગળો સાથેનો થેલો ખભ્ભે મારી ચાલતી પકડી હતી. દરમિયાન વેપારી ગોડાઉનમાંથી પરત આવતા જ પોતાની રોકડ સાથેનો થેલો ગાયબ હોવાનું જણાતા તુરત જ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પંદર દિવસ પૂર્વે આજ વિસ્તારમાં એક સાથે છ - છ દુકાનના શટર ઉચકાવી તસ્કરો ચોરી કરી ગયા હતા તેવામાં આ બીજી ઘટના બનતા રેઢા પડ જેવા આ વેપારી વિસ્તારમાં તસ્કર રાજ હોવાનું પણ વેપારીઓ જણાવી રહ્યા છે, જો કે આજની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે અને રોકડ રકમનો થેલો ઉઠાવી જનાર કોઈ જાણભેદુ જ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.