મોરબી: મોરબી શહેરના મુખ્ય એલ.ઈ. ગ્રાઉન્ડ ખાતે સશક્ત નારી મેળાનું આયોજન થયા બાદ ગ્રાઉન્ડમાં કચરાના ઢગ ખડકાઈ જતાં સ્થાનિક તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે.એક જાગૃત નાગરિકે આ મુદ્દો ઉઠાવતા જણાવ્યું હતું કે સરકારી યોજનાઓ હેઠળ કાર્યક્રમો યોજાય છે, પરંતુ કાર્યક્રમ પૂરો થયા બાદ આયોજકો ગ્રાઉન્ડમાં ભારે કચરો અને ગંદકી ફેલાવીને ચાલ્યા જાય છે. ગ્રાઉન્ડમાં ઠેર-ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે, જેને કારણે રખડતા ઢોર અને ગાયો કચરો ખાય છે. સ્થાનિકોના મતે, દર વર્ષે મેળા કે કાર્યક્રમોના આયોજન બાદ આવી જ પરિસ્થિતિ સર્જાય છે. ગયા વર્ષે પણ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ સફાઈ કરવા આવ્યું નહોતું. ત્યારે હવે મહાનગરપાલિકા કે સંબંધિત તંત્ર દ્વારા ગ્રાઉન્ડની સત્વરે સફાઈ કરવામાં આવે તેવી ઉગ્ર માગણી ઊઠી છે.