કાલે શનિવારે સરકારી કર્મીઓ દ્વારા કલેકટરને આવેદન આપશે, બાદમાં ઝોન કક્ષાની રેલી, માસ સી.એલ, પેનડાઉન અને અચોક્કસ મુદતની હડતાલનું એલાન મોરબી : મોરબી જિલ્લાના તમામ સરકારી કર્મચારીઓએ જૂની પેન્શન યોજના ચાલુ કરવા મુદ્દે સરકાર સામે મોરચો માંડ્યો છે અને મોરબીમાં કાલથી જૂની પેન્શન યોજના ચાલુ કરવા મુદ્દે સરકારી કર્મીઓનું તબક્કાવાર આંદોલન શરૂ થશે. કાલે શનિવારે સરકારી કર્મીઓ દ્વારા કલેકટરને આવેદન આપશે, બાદમાં ઝોન કક્ષાની રેલી, માસ સી.એલ, પેનડાઉન અને અચોક્કસ મુદતની હડતાલનું એલાન કરાયું છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ મોરબીના નેજા હેઠળ મોરબી જિલ્લાના તમામ સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના ચાલુ કરવા મુદ્દે સરકારમાં અનેક રજુઆત અને આંદોલન કરવા છતાં સરકારે મચક ન આપતા અંતે ફરી સરકારી કર્મચારીઓ સરકાર સામે જંગે ચઢ્યા છે અને આવતીકાલે તા.3થી સરકારી કર્મચારીઓની લડત શરૂ થશે. જેમાં કાલે શનિવારે બપોરે 3 વાગ્યે તાલુકા સેવા સદનથી જિલ્લા સેવા સદન સુધી જિલ્લા કક્ષાની રેલી કાઢીને કલેકટરને આવેદન આપશે. તેમજ તા 11 સપ્ટેમ્બરે ઝોન કક્ષાએ રેલી અને કલેકટરને આવેદન, 17 સપ્ટેમ્બરે માસ સી.એલ. તા.22 સપ્ટેમ્બરે પેનડાઉન અને 30 સપ્ટેમ્બરે અચોક્કસ મુદતની હડતાલનું એલાન આપ્યું છે.