સમગ્ર સૌરાષ્ટ્રમાં 40,657 વીજ જોડાણોમાં કાર્યવાહી કરી રૂ. 4829.07 લાખની જંગી વસૂલાત કરી મોરબી : પીજીવીસીએલ દ્વારા આજે મંગળવારે બાકી વીજ બિલની વસૂલાત માટે 'મેગા ડીસી ડ્રાઇવ' એટલે કે વીજ જોડાણ કટ્ટ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લામાં 2536 વીજ કનેક્શન ધારકો પાસેથી એક જ દિવસમાં 484.68 લાખની વસુલાત કરવામાં આવી હતી. સમગ્ર સૌરાષ્ટ્રના વિવિધ સર્કલોમાં કુલ 2,637 ટીમો દ્વારા સઘન કામગીરી કરી મેગા ડ્રાઇવ દરમિયાન કુલ 40,657 વીજ જોડાણો સામે રિકવરીની કાર્યવાહી કરીને કુલ રૂ. 4829.07 લાખ એટલે કે, અંદાજે રૂ. 48.29 કરોડની માતબર રકમની વસૂલાત કરવામાં આવી હતી.પીજીવીસીએલ કોર્પોરેટ કચેરીના આદેશ મુજબ બાકી વીજ બિલ ન ભરતા ગ્રાહકોના વીજ કનેક્શન કાપવા માટે હાથ ધરવામાં આવેલ ડીશ કનેક્શન ઝુંબેશમાં જામનગર સર્કલમાં સૌથી વધુ 347 ટીમો દ્વારા 5,492 વીજ જોડાણોમાં કાર્યવાહી કરી સર્વાધિક રૂ. 703.68 લાખની વસૂલાત કરાઈ હતી.જ્યારે રાજકોટ સિટી સર્કલમાં 226 ટીમોએ 4,310 જોડાણોમાંથી રૂ. 591.93 લાખ અને રાજકોટ રૂરલ સર્કલમાં 232 ટીમોએ 3,580 જોડાણોમાંથી રૂ. 514.71 લાખ વસૂલ્યા હતા. ભાવનગર સર્કલમાં 331 ટીમો દ્વારા 5,289 જોડાણોમાં કામગીરી કરી રૂ. 561.38 લાખની રિકવરી કરી હતી.આ ઉપરાંત કચ્છના ભુજ સર્કલમાં 184 ટીમોએ 2,815 જોડાણોમાંથી રૂ. 484.93 લાખ અને અંજાર સર્કલમાં 113 ટીમોએ 1,230 જોડાણોમાંથી રૂ. 185.59 લાખની વસૂલાત કરી હતી.જ્યારે પીજીવીસીએલના કમાઉ દીકરા એવા મોરબી સર્કલમાં 151 ટીમો દ્વારા 2,536 જોડાણોમાં કાર્યવાહી કરી રૂ. 484.68 લાખ તેમજ અમરેલી સર્કલમાં 283 ટીમો દ્વારા 4,253 જોડાણોમાંથી રૂ. 326.59 લાખ વસૂલવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર (SNR) સર્કલમાં 205 ટીમોએ 3,057 જોડાણોમાંથી રૂ. 318.81 લાખ, પોરબંદર સર્કલમાં 235 ટીમોએ 3,792 જોડાણોમાંથી રૂ. 307.51 લાખ અને જૂનાગઢ સર્કલમાં 227 ટીમોએ 3,233 જોડાણોમાંથી રૂ. 234.65 લાખની રિકવરી કરી હતી. જ્યારે બોટાદ સર્કલમાં 103 ટીમો દ્વારા 1,070 જોડાણોમાં કામગીરી કરી રૂ. 114.61 લાખની વસૂલાત કરવામાં આવી હતી.