અધિકારીએ ફોન બગડયાનું બહાનું ધર્યું, વીજ તંત્રએ ફરિયાદ નંબર ઉપર વધુ ધ્યાન આપવાની તાતી જરૂરિયાતમોરબી : મોરબી શહેરમાં ફરિયાદ નંબરને લઈ પીજીવીસીએલની લાલિયાવાડીના કારણે ગ્રાહકો પરેશાન થઈ રહ્યા છે. જ્યારે પણ શહેરમાં લાઈટો ગુલ થાય છે અથવા તો કોઈ વિસ્તારમાં વીજ ફોલ્ટ સર્જાય છે, ત્યારે પીજીવીસીએલ કચેરીના કર્મચારીઓ દ્વારા ફોન કાં તો બાજુમાં મૂકી દેવામાં આવે છે અથવા તો બંધ કરી દેવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. ગ્રાહકોની સમસ્યા નિવારવાને બદલે વીજ તંત્ર દ્વારા લોકોને ઉઠા ભણાવવામાં આવી રહ્યા હોવાના ગ્રાહકો આક્ષેપ કરી રહ્યા છે. તાજેતરમાં જ મોરબીના રવાપર રોડ પર વીજળીના વોલ્ટેજની સમસ્યા સર્જાય હતી. જેથી પરેશાન થયેલા સ્થાનિક લોકોએ પીજીવીસીએલ કચેરીમાં ફોન કરવાનું શરૂ કર્યું હતું. જો કે, આ ફોન જ સ્વીચ ઓફ આવતો હતો. આ અંગે જ્યારે જાગૃત નાગરિકો દ્વારા પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી, ત્યારે અધિકારીઓએ એવું બહાનું કાઢ્યું હતું કે ફોન બગડી ગયો છે અને તેને રિપેરિંગમાં મોકલવામાં આવ્યો છે.નવાઈની વાત તો એ છે કે, આ ઘટનાના થોડી જ વાર પછી જ્યારે ફરીથી તે નંબર પર ફોન લાગ્યો, ત્યારે કર્મચારીઓએ એવો જવાબ આપ્યો કે અમે ડિપાર્ટમેન્ટમાં બીજા મોબાઈલમાં આ સિમ લગાવ્યું છે. હવે પ્રશ્ન એ છે કે જો ડિપાર્ટમેન્ટ પાસે બીજો મોબાઈલ હોય તો ફરિયાદ નંબર બંધ કેમ રહેવા દેવામાં આવ્યો હતો. મોરબીના મોટાભાગના વિસ્તારોમાં જ્યારે પણ લાઈટ જાય છે ત્યારે આવી જ પરિસ્થિતિ સર્જાય છે. લોકો જ્યારે ફરિયાદ કરવા ફોન કરે છે, ત્યારે ફોન સાઇડમાં મૂકી દેવાય છે અથવા તો સતત વ્યસ્ત આવે તે રીતે ચાલુ ફોન પોતાના જ બીજા ફોન સાથે કનેક્ટ કરીને મૂકી દેવામાં આવે છે. પીજીવીસીએલ તંત્ર લોકોની સમસ્યા હલ કરવાને બદલે તેમની મુશ્કેલીઓમાં ઓર વધારો કરી રહ્યું છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.