માંડલ પીપળી રોડ, લખધીરપુર રોડ ઉપર જનરેટર ઉપર સિરામિક એકમો ચલાવવા કારખાનેદારો મજબુરમોરબી : પીજીવીસીએલને સૌથી વધુ રેવન્યુ કમાઈ આપતા મોરબી જિલ્લામાં પહેલા વરસાદમાં જ પીજીવીસીએલની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. ગઈકાલે રાત્રે વરસાદ આવ્યા બાદ પાવર કટ્ટ થયાના 12 - 12 કલાક વીતવા છતાં માંડલ રોડ, પીપળી રોડ અને લખધીરપુર રોડ ઉપર વીજ પુરવઠો પૂર્વવત ન થતા સિરામિક ઉદ્યોગકારો પોતાના એકમો ચલાવવા માટે જનરેટર ચલાવવા મજબુર બન્યા છે અને વિજતંત્ર ઉપર રોષ વ્યકત કરી રહ્યા છે.મોરબી સિરામિક ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ સિરામીક ઉદ્યોગને અવિરત વીજ પુરવઠો મળી રહે તે માટે રાજય સરકાર હમેશા હકારાત્મક અભિગમ સાથે મજબૂત પાવર સપ્લાય નેટવર્ક ઉભું કરી નવા - નવા ફીડર બનાવીને ઉદ્યોગો માટે કામ કરે છે પરંતુ જાણે ગુજરાત સરકારને બદનામ કરવા પીજીવીસીએલના અધિકારીઓએ સોપારી લીધી હોય તેમ મોરબીના સિરામિક ક્લસ્ટરમા ઉદ્યોગકારોને હેરાન કરવા માટે પીજીવીસીએલના અધિકારીઓ અણધાર્યા પાવર કાપ લાદી રહ્યા છે.મોરબીના નવા સિરામિક ઝોન ગણાતા ઔધોગિક ઝોન માંડલ રોડ, પીપળી રોડ અને લખધીરપુર રોડ ઉપર ગઇકાલે પડેલા વરસાદ બાદ પાવર સપ્લાયની સમસ્યા સર્જાઈ છે. જેમા 12 કલાક બાદ પણ ઉદ્યોગોને પાવર સપ્લાય મળવાનુ ચાલુ ન થતા પીજીવીસીએલમા ફરિયાદ કરતા સ્ટાફ નથી સમય લાગશે તેવા ઉડાઉ જવાબ આપવામાં આવતા હોવાનું ઉદ્યોગકારો જણાવી રહ્યા છે. બીજી તરફ 24 કલાક ધમધમતા રહતા સિરામિક ઉદ્યોગને એક મિનિટ પણ બંધ કરી શકાતો ન હોય હાલમા સિરામિક એકમો જનરેટર ઉપર ચલાવવા ફરજીયાત બનતા મંદીના આ સમયમાં નફો કરવાનુ તો ઠીક નુકશાની સાથે જનરેટર ઉપર પ્લાન્ટ ચલાવવો પડતો હોય પીજીવીસીએલના આ રવૈયાથી સિરામિક ઉદ્યોગકારોમા રોષ વ્યાપ્યો છે અને બેદરકારી મામલે ઉચ્ચકક્ષાએ ફરિયાદો કરવામાં આવી છે. સાથે જ મોરબીના સિરામિક ક્લસ્ટરમાં પાવરકટ્ટની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ ઉઠાવી છે.