મોરબી: પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) મોરબી વર્તુળ કચેરી દ્વારા ડિસેમ્બર 2025 ને 'ઊર્જા બચત માસ' તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, જેનો મુખ્ય હેતુ ઊર્જા બચતનો સંદેશ છેવાડાના ગ્રાહકો સુધી પહોંચાડવાનો છે. આ સાથે જ તા. 08 ડિસેમ્બરથી તા. 13 ડિસેમ્બર દરમિયાન 'સલામતી સપ્તાહ' પણ ઉજવાશે.ઊર્જા બચત અને સંરક્ષણના હેતુને સિદ્ધ કરવા તેમજ ભારત સરકારની પી.એમ. સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજનાને ફળીભૂત કરવા માટે પીજીવીસીએલ દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બેનરો, ગ્રામસભા, શાળા સેમિનાર, શેરી નાટકો, નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાઓ દ્વારા ગ્રાહકોને સોલાર રૂફટોપ લગાવવા બાબતે અવગત કરવામાં આવશે.સલામતી સપ્તાહ દરમિયાન અકસ્માત નિવારણ અને વીજ સુરક્ષા બાબતે જાગૃતિ કેળવવા પર ભાર મૂકવામાં આવશે. આ અંતર્ગત તમામ ટેકનિકલ સ્ટાફ અને કોન્ટ્રાક્ટરના માણસો માટે અકસ્માત નિવારણ મોકડ્રિલ અને ફીડરો પર પરીક્ષણનું આયોજન કરાયું છે. જનજાગૃતિ માટે વૃક્ષારોપણ, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને ક્વિઝ જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરાશે.સપ્તાહના અંતે, તા. 13 ડિસેમ્બર, 2025 ના રોજ વીજ સલામતી અને ઊર્જા બચતના બેનરો સાથે જનજાગૃતિ રેલી યોજવામાં આવશે, જેમાં પેમ્ફલેટ વિતરણ દ્વારા સામાન્ય જનતાને વીજ સલામતી અંગે અવગત કરાશે તેવુંપીજીવીસીએલ, મોરબી વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર ડી.આર. ઘાડીયાની યાદીમાં જણાવાયું છે.