લેણી રકમ રૂ. 1,13,100 વસુલવા PGVCL દ્વારા કરાયેલી દરખાસ્તમાં ગ્રાહક હાજર ન રહેતા કોર્ટે આકરો આદેશ કર્યોમોરબી : મોરબીમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) ના એક ગ્રાહકે કોર્ટના હુકમ મુજબની રકમ કચેરીમાં જમા ન કરાવતા, PGVCL તરફથી દાખલ કરાયેલી દરખાસ્તના કામે મોરબીની અદાલતે ગ્રાહકને 3 માસની જેલની સજા ફટકારી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા મોરબી કોર્ટમાં સુભાન દાદુ અલી મોવલ સામે કોર્ટના હુકમ મુજબની લેણી થતી રકમ રૂ. 1,13,100 પુરા વસુલ મેળવવા માટે દિવાની દરખાસ્ત નં. 82/2023 દાખલ કરવામાં આવી હતી. આ દરખાસ્તના કામે PGVCLના વકીલ મારફત સુભાન દાદુ અલી મોવલની જંગમ મિલકતની જપ્તીનું વોરંટ કાઢવા અરજી કરવામાં આવી હતી. કોર્ટે તેમની સામે જંગમ મિલકતની જપ્તી માટે વોરંટ કાઢેલ, પરંતુ કોર્ટના બેલીફ મારફત ઘરે જપ્તી કરવા જતા જંગમ મિલકત અંગે 'નીલ' રિપોર્ટ આવ્યો હતો.ત્યારબાદ PGVCLના વકીલ નિકુંજભાઈ પુનમચંદભાઈ કોટક મારફત પ્રતિવાદી સુભાન દાદુ અલી મોવલની સ્થાવર મિલકત જપ્ત કરવા માટે સી.પી.સી. ઓ-21, રૂલ-41 મુજબ કોર્ટમાં જુબાની લેવા માટે અરજી કરવામાં આવી હતી. નામદાર કોર્ટે આ અરજી મંજુર કરેલ અને ગ્રાહકને તે બાબતે સમન્સ/નોટીસ બજાવવામાં આવી હતી. પરંતુ ગ્રાહક પોતે જાતે કે તેમના વકીલ મારફત કોર્ટ સમક્ષ હાજર રહ્યા ન હતા કે કોઈ રજૂઆત કરી ન હતી.જેથી PGVCL ના વકીલ મારફત કોર્ટ સમક્ષ પ્રતિવાદી (ગ્રાહક)ને જેલમાં બેસાડવા માટે સી.પી.સી. ઓ-21, રૂલ-41(3) મુજબ અરજી કરવામાં આવી હતી. આ અરજી કોર્ટે મંજૂ ર રાખીને સુભાન દાદુ અલી મોવલને 3 મહિનાની જેલની સજાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત વાદીને 1 મહિનાની અટકાયત માટે રૂ. 10,000 ની રકમ 7 દિવસની અંદર જેલના ખર્ચ પેટે ભરવા માટેનો હુકમ મોરબીના ન્યાયાધીશ એસ.એ. મેમણ દ્વારા કરવામાં આવ્યો છે. આ કેસમાં PGVCL વતી વકીલ નિકુંજભાઈ પુનમચંદભાઈ કોટક રોકાયેલા હતા.#MorbiUpdate #PGVCL #MorbiCourt #CourtOrder #MorbiNews #GujaratNews