પેટ્રોલ 102.13 પૈસે લીટર,ડીઝલના નવા ભાવ રૂ.98.27 પૈસામોરબી : ઝોર કા ઝટકા ધીરે સે... ખાડી દેશમા યુદ્ધની સ્થિતિ વચ્ચે પેટ્રોલ અને ડીઝલની કારમી અછત જોવા મળી રહી છે તેવા સમયે જ પ્રવર્તમાન સરકારે ઓઇલ કંપનીઓને ભાવ વધારાની લીલીઝંડી આપતા ઓઇલ કંપનીઓ ગુપચુપ રીતે સતત ભાવ વધારી રહી છે. જેમાં આજે ફરી પેટ્રોલના ભાવમાં 2.79 રૂપિયા અને ડીઝલના ભાવમાં રૂ.2.59 પૈસાની ભાવ વધારતા પેટ્રોલના ભાવ 102ની સપાટી વટાવી ગયા છે અને ડીઝલ સદી ફટકારવાની નજીક પહોંચ્યું છે.ઈરાન પર અમેરિકા અને ઇઝરાઈલના હુમલાની સજા સમગ્ર વિશ્વને ભોગવવાનો વારો આવ્યો છે. જેમાં છેલ્લા દસેક દિવસથી ડીઝલની અછત વચ્ચે કેન્દ્ર સરકારે ઓઇલ કંપનીઓની ખોટ ઘટાડવા માટે ભાવવધારો કરવા છૂટ આપતા ઓઇલ કંપનીઓએ સતત ભાવવધારાના આકરા ડોઝ આપવાનું શરૂ કર્યું છે. છેલ્લા દસેક દિવસમાં ઓઇલ કંપનીઓએ ત્રીજી વખત ભાવ વધારો કર્યો છે જે અન્વયે પેટ્રોલના ભાવમાં રૂ.2.79 પૈસા અને ડીઝલના ભાવમાં રૂ.2.59 પૈસા વધારો ઝીકવામાં આવતા હવે પેટ્રોલના ભાવ રૂ.102.13 પૈસા અને ડીઝલના ભાવ 98.27 પૈસા પહોંચી ગયા છે. જો કે, આશ્ચર્ય એ વાતનું છે કે, છેલ્લા દસ દિવસમાં જ પેટ્રોલ ડીઝલના રૂ.6થી 8 રૂપિયા વધવા છતાં પ્રજાજનોમાં ભાવવધારાની કોઈ જ અસર જોવા મળી નથી.