મોરબી : હાલમાં સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોમાં પેટ્રોલ અને ડીઝલની અછતને લઈને અફવાઓ ફેલાઈ રહી છે, જેના કારણે કેટલાક સ્થળોએ લોકોમાં ગભરાટમાં ખરીદી (Panic Buying) શરૂ થઈ છે. આ મામલે અન્ન અને નાગરિક પુરવઠા કચેરી, ગાંધીનગર દ્વારા સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી છે કે ગુજરાત રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. રાજ્યના તમામ મુખ્ય ડેપો અને રિફાઇનરીઓ દ્વારા પેટ્રોલ પંપો પર નિયમિત રીતે ઇંધણ પહોંચાડવામાં આવી રહ્યું છે, જેથી લોકોએ અફવાઓથી દોરવાઈ જવું નહીં.આવી વર્તમાન પરિસ્થિતિમાં પેટ્રોલ પંપ પરથી વેચાતા ઇંધણનો ખોટી રીતે સંગ્રહ ન થાય તે માટે રાજ્ય નોડલ અધિકારી તથા સંયુક્ત નિયામક દ્વારા એક પરિપત્ર બહાર પાડીને કડક સૂચનાઓ આપવામાં આવી છે. આ નવા આદેશ મુજબ, હવેથી રાજ્યના દરેક પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ તથા ડીઝલનું વેચાણ માત્ર વાહનોની ટાંકીમાં ભરવા પૂરતું જ સીમિત કરવામાં આવ્યું છે. તે સિવાયના કોઈપણ પાત્ર, બોટલ કે બેરલ (કેરબા)માં પેટ્રોલ કે ડીઝલનું વેચાણ કરી શકાશે નહીં.વધુમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, જો કોઈ વિક્રેતા કૃત્રિમ અછત ઉભી કરવાનો પ્રયાસ કરશે અથવા સંગ્રહખોરી કરશે, તો તેની સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ની જોગવાઈઓ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.#MorbiUpdate #PetrolDiesel #GujaratGovernment #NoPanicBuying #FuelStock #MorbiNews #GujaratNews