મહાપાલિકાની ટિમ હરકતમાં આવી, ઉપવાસીને સાથે લઈ ફિલ્ડમાં કામગીરી અર્થે ટિમ રવાના મોરબી: મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની ગંભીર સમસ્યાને લઈને અનેક રજૂઆતો છતાં કોઈ ઉકેલ આવતો ન હોવાની ભરપૂર ફરિયાદો ઉઠી રહી છે. તેવામાં એક જાગૃત નાગરિકે આજે મહાપાલિકા કચેરીએ ઉપવાસ આંદોલનની શરૂઆત કરી હતી. જોકે, મામલો ગરમાતા પાલિકાની ટીમે દરમિયાનગીરી કરી હતી અને સમજાવટથી મામલો થાળે પાડીને સ્થળ પર જઈ સમસ્યા ઉકેલવાની કામગીરી હાથ ધરી છે.મોરબીના ચામુંડાનગર-૨ માં રહેતા વિનોદભાઈ મગનભાઈ પરમારે મોરબી મહાનગરપાલિકાના કમિશનર અને ડેપ્યુટી કમિશનરને અગાઉ લેખિત રજૂઆત કરી હતી. તેમના જણાવ્યા અનુસાર શહેરના માળિયા વનાળિયા, શક્તિ સોસાયટી, ઉમિયાનગર, ઉમિયાનગર ધાર વિસ્તાર, મુખ્ય ૨૫ નં. ફાટકથી ભડીયાદ વિસ્તાર સુધીના મુખ્ય માર્ગો પર ભૂગર્ભ ગટરની પારાવાર મુશ્કેલીઓ છે. આ અંગે પાલિકામાં વારંવાર લેખિત, મૌખિક અને ટેલિફોનિક રજૂઆતો કરવા છતાં કોઈ અધિકારી દ્વારા ધ્યાન આપવામાં આવતું ન હતું. કોઈ જ ઉકેલ ન આવતા, અગાઉ આપેલી ચીમકી મુજબ વિનોદભાઈ પરમારે આજ રોજ સવારે ૧૦ વાગ્યાથી મોરબી મહાનગરપાલિકાના પટાંગણમાં ઉપવાસ પર બેસીને છાવણી નાખી હતી. આ ઘટનાને પગલે મહાનગરપાલિકાનું તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. પાલિકાની એક ટીમ ઉપવાસીઓને હટાવવા માટે કચેરીના પટાંગણમાં પહોંચી હતી. આ સમયે અરજદારે અધિકારીઓને સ્પષ્ટ જણાવ્યું હતું કે, 'જો અમારા પ્રશ્નોનું સોલ્યુશન આવી જાય, તો અમે અહીંથી ઊભા થવા તૈયાર છીએ.'અધિકારીઓએ હકારાત્મક અભિગમ દાખવીને અરજદાર સાથે વાતચીત કરી તેમને સમજાવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, હાલમાં મહાનગરપાલિકાની ટીમ અરજદારને પોતાની સાથે લઈને જે-તે અસરગ્રસ્ત વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની સમસ્યાના સ્થળ નિરીક્ષણ અને તાત્કાલિક ઉકેલ લાવવા માટે રવાના થઈ ચૂકી છે. આખરે તંત્ર જાગતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.ઉપવાસીએ શુ કહ્યું ?ઉપવાસી વિનોદભાઈ પરમારે જણાવ્યું કે મોરબીના ૧૦૦ ફૂટ રોડ પાછળ આવેલા અનુસૂચિત જાતિના વિસ્તારોમાં ભૂગર્ભ ગટર અને રોડની ગંભીર સમસ્યાઓ છે. અમૂલ સિરામિક પાસે આવેલી અનુસૂચિત જાતિની ૧૦ જેટલી સોસાયટીઓના મુખ્ય રસ્તા પર ગટરની સમસ્યા અંગે અવારનવાર રજૂઆતો કરવા છતાં આજદિન સુધી કોઈ જ કામગીરી કરવામાં આવી નથી.ડેપ્યુટી એન્જિનિયરે શુ કહ્યું ?આ અંગે ભૂગર્ભ વિભાગના ડેપ્યુટી એન્જિનિયર પ્રશાંત કંજારીયાએ જણાવ્યું હતું કે, આ અરજદારનો પ્રશ્ન ખૂબ જૂનો છે અને અગાઉ પણ તેમના વિસ્તારમાં સાફ-સફાઈની કામગીરી કરવામાં આવી છે. ગ્રામ પંચાયત સમયની આ ગટરોની કુંડીઓ અને ઢાંકણાઓ જમીનમાં દટાઈ ગયા હોવાથી, અગાઉ જેસીબી મશીન મોકલીને તેને શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું કે, હાલમાં આ વિસ્તારમાં રોડનું કામ ચાલી રહ્યું છે અને બોક્સ કટીંગની પ્રક્રિયા હાથ ધરાતા, દટાયેલી ગટરની ચેમ્બરો બહાર આવી જશે. ત્યારબાદ આ ચેમ્બરોને ઊંચી લઈને સાફ-સફાઈ કરીને આગામી ત્રણથી ચાર દિવસમાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવશે.શહેર કોંગ્રેસ પ્રમુખે શુ કહ્યું ?શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, 'લોકો વારંવાર ફરિયાદો નોંધાવે છે, પરંતુ તંત્રના માણસો આવીને માત્ર ફોટા પાડીને જતા રહે છે; કોઈ નક્કર કામગીરી થતી નથી. એક નાગરિકે ૮ વખત ફરિયાદ કરી હોવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યાને એક વર્ષ વીતી ગયું હોવા છતાં, તંત્ર લોકોની પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું છે.'