તબક્કાવાર જંત્રીના ભાવમાં ૧૦% વધારો દર વર્ષે કરવાની માંગ મોરબી : દસ્તાવેજ નોંધણી અન્વયે સ્ટેમ્પ ડ્યુટીના વપરાશ અનુસંધાને સ્થાવર મિલ્કતની બજરકિંમત નક્કી કરવાની જંત્રી-એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્સ -૨૦૧૧ ના દર ઓચિંતા બેગણા કરતો ઠરાવ ગુજરાત સરકારશ્રીના મહેસુલ વિભાગ દ્વારા તા.૪-૨-૨૦૨૩ થી બહાર પાડવામાં આવેલ હોય તે અન્વયે વિરોધ દર્શાવતું આવેદનપત્ર તથા જંત્રીમા સુધારો લાવવા બાબતેના વૈકલ્પિક સુચનો અંગે મોરબી બિલ્ડર્સ એસોસિએશનને કલેકટરને રજુઆત કરી છે. મોરબી જિલ્લા બિલ્ડર્સ એસોસીએશને રજુઆતમાં જણાવ્યું હતું કે, જંત્રી સુધારવાનો શ્રેષ્ઠ રસ્તો સર્વે કરીને જંત્રીની રકમ અંગે નિર્ણય કરવો જોઈએ. રાતોરાત જંત્રીની રકમ બમણી કરવી એ યોગ્ય નથી. જંત્રીમાં સર્વે કરીને બજાર મૂલ્ય બાબતે સુધારો કરવા, જંત્રીમા ભાવવધારો કરતાં પહેલા આમ જનતા ને કુદરતી ન્યાય લના સિધ્ધાંત મુજબ ત્રણ મહિના જેટલો સમય આપવો જોઈએ. હાલ પૂરતો આ નિર્ણય ત્રણ મહિના અથવા જ્યાં સુધી સર્વે કરીને નવી જંત્રી ન બને ત્યાં સુધી મોકૂફ રાખવાની માંગ કરી છે. મોરબીમાં અમુક વિસ્તારમાં જુની જંત્રી મુજબની રકમ વાસ્તવિક કિંમત કરતાં પણ ઘણી વધારે છે જેના કારણે આ વિસ્તારની અંદર વિકાસ થઈ શકતો નથી. જેમકે જૂનો લીલપર રોડ, વીસીપરા, જૂના ઘૂટું રોડ, લાટીપ્લોટ, ત્રાજપર વગેરે,આ વિસ્તારોમાં જંત્રી રેટ ઘટાડવાના બદલે બે ગણા થાય તે યોગ્ય નથી.આ વિસ્તારની જંત્રી મુજબની બજરકિંમત ની રકમ હાલમાં છે તેમાં પણ ઘટાડો કરવો જોઈએ. લોકો દ્વારા જે કિસ્સામાં મિલકતની ખરીદી થઈ ગઈ હોય તેમાં ખરીદવાની રકમ, સ્ટેમ્પ ડ્યૂટી, લોન ખર્ચ વગેરે બજેટ મુજબ તેઓએ ખરીદી કરેલ હોય છે. રાતોરાત જંગીમાં ભાવવધારા ને કારણે સ્ટેમ્પ ડ્યૂટીની રકમમાં બે ગણો વધારો થતાં ચુકવવાની રકમ વધી જાય તેથી તેઓનું બજેટ ખોરવાઈ જાયને રકમ ચૂકવવા અસમર્થ થઈ જાય, લોકો ઉપર જંત્રીની બજર કિંમત વધવાને કારણે બોજો એકી સાથે ન આવે અને તબક્કાવાર જંત્રીના ભાવમાં ૧૦% વધારો દર વર્ષે થાય તો આવી સ્થિતિનું નિર્માણ ન થાય તેથી તબક્કાવાર વધારો થાય તેવી માંગ કરી છે. જંત્રીના ભાવ સીધા ડબલ કરવાથી ચૂકવવી પડતી ચેક મુજબની રકમ પણ બમણી થઈ જાય તેથી લોકોને પોતાનું ઘર ખરીદવાની શક્તિ ઘટે, તેથી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મોટાપાયે મંદી આવે. હાલમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ ભયંકર મંદી ચાલી રહી છે. જેથી આ પગલાને કારણે બાંધકામ ઉધોગ ભયંકર મંદીમાં આવી શકે છે. બાંધકામ દર પણ બમણા કરી દીધેલ છે. આર. સી માં બાંધકામ પ્રતિ ચો.મી. ૧૯૮૦૦/- નક્કી કરેલ છે, જે તદન અવાસ્તવિક છે. આ બાબતે પુનઃ વિચાર કરવો જોઈએ અને બાંધકામ ના દરમાં વધારો ન કરવો જોઈએ.૨૦૧૧માં જ્યારે જંત્રી બનેલ ત્યારે અણધડ રીતે બનેલ છે જેમકે મોરબી તાલુકાનાં એકજ શેઢે ત્રાજપર ગામના સર્વે નંબર ની જંત્રી પણ એક બીજા કરતાં બે ગણી માલૂમ પડે છે. અણધડ રીતે બનેલ જંત્રી માં ભાવ ડબલ કરવામાં આવે તો અયોગ્ય પરિસ્થિતી નું નિર્માણ થાય આ કારણે પણ સર્વે કરીનેજ જંત્રી માં ભાવ વધારો કરો જોઈ એવી માંગ કરી છે.