મોરબી : આજ રોજ વિશ્વ હિંદુ પરિષદ મોરબી જિલ્લા દ્વારા વિહીપ સૌરાષ્ટ્ર પ્રાંત તરફથી મળેલી સુચના મુજબ સુપ્રીમ કોર્ટ દ્વારા સમલૈંગિક વ્યક્તિઓના લગ્નની મંજૂરી આપતો કાયદો ન બનાવવા બાબતે મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વિશ્વ હિંદુ પરિષદ મોરબી દ્વારા રાષ્ટ્રપતિજીને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં જણાવાયું છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા સમલૈંગિક વ્યક્તિઓના વિવાહના કાયદા બાબતે જે ઉતાવળ કરવામાં આવી રહી છે તે યોગ્ય નથી. આ મુદ્દો નવા વિવાદોને જન્મ આપશે અને ભારતની સંસ્કૃતિ માટે ઘાતક સાબિત થશે. તેથી સુપ્રીમ કોર્ટે આ કાયદો બનાવતા પહેલા ધર્મગુરુઓ, ડોક્ટરો, વૈજ્ઞાનિકો અને શિક્ષણવિદોની સમિતિ બનાવીને તેમનો મત જાણવો જોઈએ તેવું વિશ્વ હિંદુ પરિષદ મોરબી દ્વારા જણાવાયું છે.