કોઝવેમાં બેકાંઠે પાણી વહેવા લાગતા વાહન વ્યવહાર અટકી ગયો : મૃતદેહને ટ્રેકટર મારફતે કુંતાસી પહોંચાડ્યો મોરબી : મોરબી પંથકમાં ગતરાત્રે ભારે વરસાદ થયો હતો.જેથી હજનાળીથી કુંતાસી વચ્ચેના કોઝવેમાં બે કાંઠે પાણી વહેવા લાગતા મૃતદેહ લઈને નીકળેલા લોકો કલાકો સુધી ફસાઈ ગયા હતા. બાદમાં મૃતદેહને ટ્રેકટર મારફતે કુંતાસી પહોંચાડ્યો હતો મોરબીના કુંતાસી ગામે રહેતા વર્ષાબેન અમરશીભાઈ ભાડજા નામના મહિલાને ગઇરાત્રે ગંભીર હાલતમાં તેમના પરિવારજનો મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. પણ મોરબી સિવિલ હોસ્પિટલમાં એ મહિલાનું મોત નીપજ્યું હતું.આથી આ મહિલાનો મૃતદેહ લઈને તેમના પરિવારજનો પરત કુંતાસી ગામે લઈ જતા હતા. પરંતુ ગતરાત્રે ભારે વરસાદને કારણે હજનાળીથી કુંતાસી વચ્ચેના કોઝવેમાં બે કાંઠે પાણી વહેવા લાગતા પાણીના ફૂલ પ્રવાહને કારણે વાહન વ્યવહાર અટકી ગયો હતો. જેમાં મહિલાના મૃતદેહ સાથે લોકો પણ કલાકો સુધી ફસાઈ ગયા હતા. બાદમાં ટ્રેકટર મારફતે મહિલાના મૃતદેહને તેમના વતન કુંતાસી ગામે પહોંચાડવામાં આવ્યો હતો અને અંતિમવિધિ કરવામાં આવી હતી.