વેટમિક્ષથી ખાડા બુરવાનું કામ દિવસે અને રાત્રે પુરજોશમાં ચાલુ છે, શનિ-રવિ દરમિયાન મોટાભાગના મેઈન રોડ ઉપર કામગીરી થઈ જશે : લાઈટનું મટિરિયલ્સ પણ આવી ગયું છે, તેનું કામ પણ શરૂ કરી દેવાયું છેમોરબી : મોરબીમાં ખાડા, પાણી ભરાવા અને લાઇટ સહિતના પ્રશ્નોને લઈને જનઆંદોલનો હજુ યથાવત છે. ત્યારે આ મામલે મ્યુનિસિપલ કમિશનરે લોકોને આંદોલનનો માર્ગ ન અપનાવવા અપીલ કરી છે. તેઓએ કહ્યું છે કે લોકો અમને રજુઆત કરે, અમે તમામ પ્રશ્નો દૂર કરીશું. મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે હાલ વેટ મિક્ષથી કામગીરી દિવસે અને રાત્રે ચાલુ છે. પંચાસર રોડ ઉપર 500 મીટર, કન્યા છાત્રાલય રોડથી હાઇવે સુધી 1500 મીટર, આલાપથી એસપી રોડ 1800 મીટર, લાયન્સનગરમાં 800 મીટર, આસ્વાદ પાન સામે 200 મીટર કામ કરવામાં આવ્યું છે. ગાંધીચોકથી નાગરિક બેન્ક રોડ ઉપર કામ ચાલુ છે. હવેના દિવસોમાં વીસીપરા મેઈન રોડ, નહેરુ ગેટથી દરબાર ગઢ રોડ, આવાસથી આગળનો રોડ ત્યાં કામગીરી શરૂ કરવામાં આવશે.સ્ટ્રીટ લાઈટનું મટિરિયલ્સ ઉપલબ્ધ થઈ ગયું છે. બે દિવસમાં 125 ફરિયાદોનો નિકાલ કરવાના આવ્યો છે. આવતા બે દિવસમાં મુખ્ય રોડ એવા પુલ, શનાળા રોડ, વાવડી રોડ, પંચાસર રોડ ઉપર જ્યાં પોલ ઉપલબ્ધ છે ત્યાં લાઈટ નાખવામાં આવશે. લાતી પ્લોટ સહિતના વિસ્તારોમાં આવતા અઠવાડિયાના એન્ડ સુધીમાં લાઈટની સમસ્યા દૂર કરાશે. તમામ ફરિયાદનો ક્રમ પ્રમાણે નિકાલ કરવામાં આવી રહ્યો છે.લોકોની જે સમસ્યા છે તે જેન્યુન છે. પણ આંદોલનનો માર્ગ ન અપનાવો. લોકો અમને રજુઆત કરે, અમે સમસ્યાનો ઉકેલ લાવીશું. ફરિયાદ માટેના જે નંબર છે. તે નંબરની ફરી નવી યાદી જાહેર કરવામાં આવી છે. આ તમામ નંબર ઉપડશે અને આપની ફરિયાદ ધ્યાને લેવામાં આવશે. છતાં પણ કોઈને રજુઆત કરવી હોય તો હું સોમવાર અને ગુરૂવાર બપોરે 3થી સાંજે 6 દરમિયાન મળું છું. આ ઉપરાંત ચોમાસાના લીધે દરરોજ સાંજે 5થી 6 પણ કચેરીએ લોકોની રજુઆત સાંભળીશ.