40 હજાર ચો.ફૂટના વિશાળ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન : આજે એક કલાકના વિશેષ પ્રવચન સત્ર બાદ ધર્મગુરૂ હળવદ જવા થશે રવાનામોરબી : મોરબીમાં દાઉદી વહોરા સમાજના ધર્મગુરૂના આગમનથી સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વર્ષ 2017 પછી લગભગ 10 વર્ષના અંતરાલ બાદ તેઓ મોરબી પધાર્યા છે. તેમની આ મુલાકાત દરમિયાન ગઈકાલે દરબારગઢ પાસે નિર્માણ પામેલા 40000 ચોરસ ફૂટના વિશાળ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં ઓફિસ, મીટિંગ હોલ અને 37 જેટલા રૂમ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ ઐતિહાસિક પળના સાક્ષી બનવા અને ધર્મગુરુના આશીર્વાદ લેવા માટે મોરબી, હળવદ, ટંકારા, રાજકોટ અને જામનગર સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી આશરે 3000 થી 4000 લોકો મોરબી ખાતે ઉમટી પડ્યા હતા. ગઈકાલે સવારથી જ ધર્મગુરુએ વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપી હતી. સવારે તેઓએ વીસીપરામાં આવેલી દરગાહની મુલાકાત લીધી હતી. ત્યારબાદ સ્થાનિક લોકોની લાગણીને માન આપીને આશરે 40 થી 45 જેટલા ઘરો અને દુકાનોમાં પધરામણી કરી હતી. ધર્મગુરુની પાવન ઉપસ્થિતિમાં ગઈકાલે સમાજના 7 થી 8 યુગલોના નિકાહ પણ પઢાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સમાજની પરંપરા મુજબ 15 વર્ષની ઉંમરે આપવામાં આવતો 'મીસાક' પણ ગ્રહણ કરાયો હતો. આ તમામ કાર્યક્રમોને લઈને ખત્રીવાડ અને મુલ્લા શેરી સહિતના વિસ્તારોને દુલ્હનની જેમ રોશનીથી શણગારવામાં આવ્યા છે. આ ત્રિદિવસીય કાર્યક્રમના અંતિમ ચરણમાં આજે તા. 11 ના રોજ સવારે ધર્મગુરુ દ્વારા 1 કલાકની વિશેષ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા પૂર્ણ થયા બાદ તેઓ મોરબીથી હળવદ જવા માટે રવાના થશે. ધર્મગુરુના આગમનને પગલે મોરબીના સમગ્ર વિસ્તારમાં સાફ-સફાઈ અને વ્યવસ્થાપન પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. સ્થાનિક આયોજકો દ્વારા કડક સુરક્ષા અને સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી બહારગામથી આવતા દર્શનાર્થીઓને કોઈ અગવડ ન પડે અને સમગ્ર માહોલ શાંતિપૂર્ણ બની રહે.