14 ગામોના સરપંચો અને ગામ લોકોએ કલેકટરને રજુઆત કરી મોરબી જિલ્લાના વતની હોવાના ઓળખ અને પુરાવામાં ફેરફાર કરવાની માંગ કરી મોરબી : મોરબી જિલ્લો બનતા જોડિયા તાલુકાના 14 ગામો મોરબીમાં સમાવેશ કરવામાં આવ્યા હતા.પરંતુ કમનસીબે આ 14 ગામોના લોકોના મોરબી તાલુકાના વતની હોવાના ઓળખ પૂરવા મળ્યા જ નથી.હજુ તેમના ઓળખ પુરાવા જોડિયા તાલુકાના જ બોલે છે.તેથી આ 14 ગામોના લોકોએ જિલ્લા કલેકટરને રજુઆત કરીને મોરબી તાલુકાના વતની હોવાના ઓળખ પુરાવા કાઢી આપવાની માંગ કરી છે. મોરબી તાલુકામાં સમાવિષ્ટ થયેલા જોડિયા તાલુકા 14 ગામોના સરપંચો અને ગામલોકોએ આજે જિલ્લા કલેકટરને આવેદન આપીને રજુઆત કરી હતી કે, મોરબી જિલ્લો બન્યા બાદ મોરબી જીલ્લાની હદમાં આવતા જામનગરના જોડિયા તાલુકાના 14 ગામોનો મોરબી તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો.જેમાં જોડિયા તાલુકાના આમરણ (ડાયમંડ નગર), ઝીઝુડા, રાજપર, ફડસર, બેલા, રામપર (પાડાબેકર), ઉટબેટ શામપર, ખારચિયા,કેરાળી, ફાટસર, જીવાપર, બાદનપર (આમરણ), ધૂળકોટ, કોયલી એમ 14 ગામોનો વર્ષ 2013માં મોરબી જિલ્લામાં સમાવેશ થયા બાદ હજુ આ ગામોના લોકોના આધાર કાર્ડ, ડ્રાઇવીંગ લાયન્સ ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ, વગેરે મૂળભૂત પુરવાઓમાં હજુ સુધી ફેરફાર થયો નથી.જેમાં હજુ જોડિયા તાલુકાના જ તેઓ વતની હોવાના પુરાવા બોલે છે.તેથી આ 14 ગામોના લોકો મોરબી તાલુકાના વતની હોવાની ઓળખ માટે આ પુરાવામાં ફેરફાર કરવો જરૂરી છે.તેથી આ પુરાવાઓમાં ફેરફાર કરવા માટે જે તે ગ્રામ પંચાયતમાં જ કાર્યવાહી કરવામાં આવે તો સ્થાનિક ગ્રામજનોને મુશ્કેલીમાંથી રાહત થશે અને આર્થિક ખર્ચ પણ બચી જશે.તેથી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા કલેકટર સમક્ષ માંગ કરવામાં આવી છે.