મોરબી: મોરબી શહેરમાં ભૂગર્ભ ગટરની સમસ્યા જાણે કાયમી બની ગઈ હોય તેમ રોજબરોજ અનેક વિસ્તારોમાંથી ગટર ઉભરાવવાની ફરિયાદો ઉઠી રહી છે. છેલ્લા 15 દિવસથી શહેરના પોશ ગણાતા શનાળા રોડ પર ગુરુ દત્તાત્રેય મંદિરની પાછળ આવેલા હોસ્પિટલ વિસ્તારમાં ગટરો ઉભરાતા લોકોને હાલાકી પડી રહી છે. તબીબોની ફરિયાદ છતાં પરિસ્થિતિમાં કોઈ બદલાવ નહીંઆ વિસ્તાર મુખ્યત્વે હોસ્પિટલોથી ઘેરાયેલો છે, જ્યાં દરરોજ સેંકડો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. ગટરના પાણી રસ્તા પર ફરી વળતા દર્દીઓ અને તેમના સ્વજનોને ગંદા પાણીમાંથી પસાર થવાની નોબત આવી છે. આ અંગે તબીબ ડો. હસમુખ સવસાણીએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, 'છેલ્લા 15 દિવસથી આ સમસ્યા છે. અમે પાલિકામાં 3 થી 4 વખત રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.' હવે આ સમસ્યાનો અંત ક્યારે આવશે તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે.