વારંવારની રજૂઆતો છતાં તંત્ર ઘોર નિંદ્રામાં : ખાડાઓ અને ગંદા પાણીને કારણે અકસ્માતો અને રોગચાળાની ભીતિમોરબી અપડેટ : મોરબી શહેરના નેહરુ ગેઇટ વિસ્તારમાં સોની બજારમાં રોડ રસ્તાની અતિ બિસ્માર હાલતને કારણે સ્થાનિકો અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રસ્તા પર પડેલા અસંખ્ય મસમોટા ખાડાઓ અને તેમાં ઠેર-ઠેર ભરાયેલા ગંદા પાણીના કારણે વિસ્તારનું સામાન્ય જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.સ્થાનિકોની રજૂઆત અનુસાર, સોની બજાર વિસ્તારમાં રોડની હાલત એટલી હદે ખરાબ છે કે વાહનચાલકો માટે અહીંથી પસાર થવું જીવના જોખમ સમાન બની ગયું છે. થોડીવારના વરસાદમાં કે પાણીની લાઈન લીકેજ થવાના કારણે આ મસમોટા ખાડાઓમાં પાણી ભરાઈ જાય છે. પાણી ભરાયેલું હોવાથી રસ્તા પરના ખાડાઓ વાહનચાલકોને દેખાતા નથી, જેના પરિણામે અવારનવાર ગંભીર અકસ્માતો સર્જાઈ રહ્યા છે.વધુમાં, આ ખાડાઓમાં લાંબા સમય સુધી ગંદુ પાણી ભરાઈ રહેવાથી મચ્છરોના ત્રાસમાં ભારે વધારો થયો છે. જેના કારણે સ્થાનિકોમાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવો રોગચાળો ફાટી નીકળવાની પૂરી દહેશત સેવાઈ રહી છે. આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિક લોકો દ્વારા સંબંધિત તંત્ર અને નગરપાલિકામાં અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. આમ છતાં, તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.તંત્રની આવી બેદરકારીને પગલે સ્થાનિક વેપારીઓ અને રહીશોમાં ભારે આક્રોશ ફેલાયો છે. લોકો પ્રબળ માંગ કરી રહ્યા છે કે વહીવટી તંત્ર સત્વરે આંખ ઉઘાડે અને જનહિતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે આ રસ્તાઓનું યોગ્ય સમારકામ કરાવે.#Morbi #MorbiUpdate #SoniBazar #NehruGate #PotholesIssue #MorbiNagarpalika #PublicIssue #MorbiNews