રોડ ઉપર ગંદા પાણીના કારણે વેપારીઓને ધંધામાં પણ અસર : તંત્ર તાત્કાલિક પગલા લ્યે તેવી માંગમોરબી : મોરબીમાં ગઢની રાંગ પાસે કાપડ બજારમાં ઉભરાતી ગટરથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અહીં રોડ ઉપર ગંદા પાણીના કારણે વેપારીઓને ધંધામાં પણ ભારે અસર પહોંચી રહી છે. ત્યારે તંત્ર આ બાબતે ગંભીરતા દાખવી તાત્કાલિક પગલા લ્યે તેવી માંગ ઉઠી છે. વેપારીઓના જણાવ્યા અનુસાર ગઢની રાંગ પાસે કાપડ બજારમાં છેલ્લા 15 દિવસથી ગટરના પાણી રોડ ઉપર આવી ગયા છે. કાપડ બજારના વેપારીઓ અહીં વ્યવસ્થિત ચોખ્ખાઈ રાખે છે. પણ આ ગટરના કારણે તેઓની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે. સિપાઈવાસની ગટરોના પાણી અહીં રોડ ઉપર આવી રહ્યા છે. આ ગંદા પાણી રોડ ઉપર હોવાથી હવે ગ્રાહકો અહીં આવવાનું પણ ટાળી રહ્યા છે. સફાઈ કર્મચારીઓ રોડ ઉપર સાફ-સફાઈ કરે છે. પણ મૂળ પ્રશ્ન એ છે કે ગટરના પાઇપની અંદર જ કચરો જામી ગયો છે. આ પ્રશ્નનું મહાપાલિકા દ્વારા તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે તેવી સર્વે વેપારીઓની માંગ છે.