15 દિવસમાં પ્રશ્ન હલ નહીં થાય તો ઉપવાસ આંદોલન કરવાની કોંગ્રેસ અગ્રણી લલિત કાસુન્દ્રાની ચીમકીમોરબી: મોરબીના વોર્ડ નં-11માં રવાપર-ઘુનડા રોડ બાબતે મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપ-પ્રમુખ અને પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય લલિત કાસુન્દ્રાએ મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. જેમાં રવાપર-ઘુંનડા રોડનું કામ છેલ્લા 1 વર્ષથી ગોકળગાયની ગતિએ ચાલતું હોવાથી સ્થાનિકોને પડતી હાલાકીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.આ રજૂઆતમાં જણાવાયું છે કે, રવાપર ગામ અને આસપાસની સોસાયટીના લોકો ધૂળની ડમરીઓ અને ટ્રાફિકથી છેલ્લા 1 વર્ષથી પરેશાન છે. છેલ્લા 2 મહિનાથી ઇન્દ્રપ્રસ્થ પાર્ટીપ્લોટથી વૈદેહી પ્લાઝા સુધી રોડની એક સાઈડ ખોદીને કામ બંધ કરી દેવામાં આવ્યું છે. આના કારણે એક જ સાઈડ પર સામસામા વાહનો આવી જવાથી કલાકો સુધી ટ્રાફિક ચકાજામ થઈ જાય છે. બપોરના સમયે 45 ડિગ્રી ગરમીમાં સ્કૂલે જતા બાળકો, બુઝુર્ગો અને સામાન્ય નાગરિકો કલાકો સુધી ટ્રાફિકમાં અટવાઈ જાય છે અને બસમાં બાળકો ગરમીથી બફાઈ જાય છે.વધુમાં લલિત કાસુન્દ્રાએ તંત્ર પર પ્રહારો કરતા જણાવ્યું છે કે, રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી રોડ બને છે તો આર એન્ડ બી અને મહાપાલિકા શું કરે છે? કમિશનર દર બુધવારે નાના ગરીબ માણસોના ઝૂંપડા તોડવાની કામગીરી કરે છે, પરંતુ અત્યારે રવાપર રોડનું કામ અટકેલું છે તે તેમના ધ્યાનમાં કેમ આવતું નથી? લોકો આ કામ પૂરું થાય તેની 1 વર્ષથી રાહ જોઈ રહ્યા છે. કલેક્ટરને આ મામલે તાત્કાલિક ધોરણે 24 કલાક રોડનું કામ ચાલુ કરાવવા વિનંતી કરવામાં આવી છે. જો આગામી 15 દિવસમાં આ બાબતે કોઈ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો લલિત કાસુન્દ્રાએ ગાંધી ચિંધ્યા માર્ગે કેનાલ ચોકડીએ અનશન ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે. જો આમ થશે તો તેની તમામ જવાબદારી પ્રશાસનની રહેશે તેવી સ્પષ્ટતા પણ પત્રમાં કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #RavaparRoad #TrafficIssue #MorbiNews #GujaratNews #PublicIssue