સ્થાનિક લોકોએ ગતરાત્રે યોજાયેલી મીટીંગમાં કલેકટરને આવેદન આપવા સહિતની રણનીતિ નક્કી કરી મોરબી : મોરબીના પોશ વિસ્તારમાં અવની ચોકડીએ વરસાદી પાણીના કાયમી નિરકારણ માટે ગતરાત્રે મીટીંગ યોજાઈ હતી. જેમાં આજુબાજુની સોસાયટીના મોટી સંખ્યામાં લોકો એકઠા થઈને વરસાદી પાણીનો પ્રશ્ન હલ કરવામાં નિષ્ક્રિયતા દાખવનાર સ્થાનિક તંત્ર અને નેતાગીરી સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો અને અવની ચોકડીએ પાણીના કાયમી નિરાકરણ માટે લડી લેવાનો લલકાર કરી કલેકટરને આવેદન આપવા સહિતની રણનીતિ નક્કી કરાઈ હતી. અવની ચોકડી પોશ વિસ્તારનો હાર્દ આ વિસ્તારમાં આજુબાજૂની અનેક સોસાયટીને સ્પર્શતો હોવાથી આશરે 2 હજારથી વધુ ફ્લેટ ધારકોને વર્ષોથી અવની ચોકડીએ દર વર્ષે ચોમાસામાં ભરાતા વરસાદી પાણીનો પ્રશ્ન સતાવે છે. એકાદ બે ઈંચ વરસાદમાં પણ અવની ચીકડી વિસ્તારમાં જળબંબાકાર થઈ જાય છે. હાલ ચોમાસામાં તાજેતરમાં પાંચ જેવા વરસાદમાં અવની ચોકડી વિસ્તાર પાણી પાણી થઈ ગયો હતો અને ઉપરથી વરસાદ રહી ગયા બાદ પણ દિવસો સુધી વરસાદી પાણીનો નિકાલ ન કરતા સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. સંબધિત તંત્ર અને સ્થાનિક નેતાગીરીને અનેક રજુઆત કરવા છતાં વરસાદી પાણીનો નિકાલ થયો ન હતો. અવની ચોકડીએ દર વર્ષે વરસાદી પાણી ભરાવવાની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠેલાં લોકોએ પાણીનો નિકાલ ન કરી શકો તો મત માંગવા આવવું નહીં તેવા બેનર લગાવતા સ્થાનિક નેતાગીરીની ઉંઘ હરામ થઈ ગઈ હતી અને સ્થાનિકોને સમજાવવાના પ્રયાસો કર્યા હતા. પણ સ્થાનિકો જ્યાં સુધી વરસાદી પાણીનો કાયમી નિકાલ નહિ ત્યાં સુધી કોઈ વાત નહિનો મક્કમ નિર્ણય કરીને આ મુદ્દે અવની ચોકડીએ ગઈકાલે રાત્રે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગેવાનોએ વરસાદી પાણીથી ભોગવવી પડતી હાલાકીનો ચિતાર આપી જ્યાં સુધી આ મુદ્દે તંત્ર કાયમી નિરાકરણ ન કરે ત્યાં સુધી લડત ચાલવાનો નિર્ણય કર્યો હતો અને હાલના તબબકે આજુબાજુના લોકો પોત પોતાના લેટરપેટમાં કલેકટરને આવેદન આપશે એવું નક્કી થયું છે.